આંગણવાડી કાર્યકરની ચાલુ વર્ષે ૯ હજારથી વધુ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોની ભરતી કરાશે
ભારતને વિકસીત રાષ્ટ્ર બનવામાં મહિલા સશક્તિકરણ સરકારનું કેન્દ્રબિંદુ હોવું જોઇએ : મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
• રાજ્યના કુલ બજેટ સામે “૩૯.૭૧%” જેન્ડર બજેટ રજુ કરાયું
• આગામી ત્રણ વર્ષમાં રાજયની ૨૦ હજાર આંગણવાડીઓનું સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતર કરવા રૂ. ૨૦૦ કરોડની જોગવાઇ
• આગામી ૩ વર્ષમાં ૮ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરાશે
વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્વભાઇ મોદીએ હંમેશા માતૃશક્તિને મહત્વ આપ્યુ છે. ભારતને વિકસીત રાષ્ટ્ર બનવામાં મહિલા સશક્તિકરણ સરકારનું કેન્દ્રબિંદુ હોવું જોઇએ. ભારતની વિકાસ યાત્રામાં મહિલાઓનો અમૂલ્ય ફાળો રહેલો છે.
મંત્રીશ્રી બાબરીયાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યુ ત્યારે મહિલાઓ માટે અલાયદા મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી હતી. મહિલા માટે છુટા-છવાયા થતા કામોની જગ્યાએ સમગ્ર મહિલા કલ્યાણ વિભાગની સ્થાપના થકી અનેક મહિલા કલ્યાણની યોજનાઓ કાર્યરત છે.
‘નારી શક્તિ વંદન બિલ’ વિશે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રની સાથે રાજનીતીમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી સંસદમાં અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩% અનામતનું ‘નારી શક્તિ વંદન બિલ’ પસાર કર્યું છે તે ભારતની મહિલાઓના ભવિષ્યના વિકાસ માટે માઇલ સ્ટોન સમાન છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના સરળ, નિખાલસ અને લોક હૃદયી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ગત વર્ષની તુલનાએ ૧૩.૫% જેટલો વધારો કરીને વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ. ૬,૮૮૫ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ″સહી પોષણ દેશ રોશન”નાં આહ્વાનને ચરીતાર્થ કરવા સમગ્ર દેશમાં ચાલતાં રાષ્ટ્રીય પોષણ અભિયાનમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩૨ લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂરક પોષણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૮૭૮ કરોડ ૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં દુધ સંજીવની યોજના અંતર્ગત રૂ. ૧૩૨ કરોડ ૩૩ લાખ, પોષણ સુધા યોજનામાં રૂ. ૧૨૮ કરોડ ૯૮ લાખ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે રૂ. ૩૨૨ કરોડ ૪૦ લાખ, રાષ્ટ્રીય પોષણ અભિયાન માટે રૂ. ૧૪ કરોડ ૪૦ લાખ, પૂર્ણા યોજના અંતર્ગત રૂ. ૩૪૬ કરોડ ૪ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ વર્ષે ૩૬ નવા આંગણવાડી કેન્દ્રનું ઉદ્ધાટન કરાયું છે. આગામી વર્ષે ૯ હજારથી વધુ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોની ભરતી કરવામાં આવશે.
મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા અને સલામતીને હંમેશા પ્રાથમિકતા આપી છે. જેના માટે સખી વન સ્ટોપ સેન્ટર યોજના, નારી સંરક્ષણ ગૃહ જેવી યોજનાઓ કાર્યરત છે. દિકરીઓના જન્મના વધામણા માટે વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય માટે રૂ. ૨૫૨ કરોડ ૩૪ લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ગંગા સ્વરૂપા બહેનો માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત ૨ હજાર ૩૬૨ કરોડ ૬૩ લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના કુલ બજેટ સામે “૩૯.૭૧%” જેન્ડર બજેટ રજુ થયું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આંગણવાડીના માળખાને વધારે સુદ્રઢ કરવા માટે આંગણવાડીઓનું નવતર મોડ્યુલર ટેકનોલોજી દ્વારા નિર્માણ, આઇ.ટી. સિસ્ટમથી સુસજ્જ કરી સ્માર્ટ આંગણવાડી બનાવવા ૩ વર્ષમાં ૮ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત ૨૦ હજાર આંગણવાડીઓનું સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતર કરાશે જેના માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે.
જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોનમાં વ્યાજ સબસીડી આપવા અંગેની મહિલા સ્વાવલંબન યોજનામાં સબસીડીના હાલના દરમાં વધારો કરાયો છે. આ યોજના અંતર્ગત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ મારફત સબસીડી આપવા માટે રૂા.૨ કરોડ ૨૩ લાખની જોગવાઇ કરાઈ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
મંત્રીશ્રી ભાનુબેને જણાવ્યું હતું કે, દર મહિને બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓની વૃદ્ધિ અને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરિંગ ઉપકરણોની ખરીદી કરવા માટે રૂ.૧૪ કરોડ ૪૦ લાખ, કિશોરીઓને વિતરણ કરવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટમાં આયુષ કમ્પોનન્ટ ઉમેરવાના હેતુસર કુલ રૂ.૧ કરોડ ૯૪ લાખની જોગવાઈ સહિત પુર્ણા યોજના માટે કુલ રૂ. ૩૪૪ કરોડ ૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ મિલેટ્સ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવાયું છે. સમગ્ર રાજ્યમાં મીલેટ-શ્રી અન્નનો પ્રચાર પ્રસાર કરવા રાજ્યની તમામ આંગણવાડીઓમાં ૩,૨૪૩ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જિલ્લા તાલુકા કક્ષાએ તા.૧૧ થી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩ દરમિયાન સશક્ત કિશોરી સુપોષિત ગુજરાતની થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ હજાર કિશોરીઓ અને ૧૫ હજાર ૬૫૯ પૂર્ણા સહ સખી સહભાગી થયા હતા. વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી.