AMCના ૧૦૫૫ LIG આવાસ માટે એક લાખથી વધુ ફોર્મ ભરાયા !
અમદાવાદ, શહેરનાં ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને ઘરનું ઘર આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનાં સહયોગથી મ્યુનિ.માં હાથ ધરાયેલી ગરીબ આવાસ યોજના અંતર્ગત હજારો મકાન બનાવી ડ્રો કરી દેવાયા છે, પરંતુ નિમ્ન મધ્યમવર્ગ માટે એલઆઇજી આવાસ યોજનાઓ નિર્માણાધીન છે.
જેમાં નરોડા હંસપુરા તથા ગોતામાં ૧૦૫૫ એલઆઇજી આવાસ માટે અત્યારસુધીમાં એક લાખથી વધુ ફોર્મ ભરાઇ જતાં શહેરમાં લાખો લોકોને મ્યુનિ.ની એલઆઇજી આવાસ યોજનામાં વધુ રસ હોવાનું પૂરવાર થયું છે.
મ્યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરી ગરીબોને ઘરનાં ઘર મળે તેવા હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં ફાળા સાથે વિવિધ વિસ્તારોમાં ટીપી સ્કીમમાં રિઝર્વ રખાયેલાં પ્લોટમાં ગરીબ આવાસ યોજનાઓનુ નિર્માણકાર્ય પૂર્ણ કરી જરૂરિયાતમંદોને ઘરના ઘર આપવામાં આવ્યા છે.
પરંતુ શહેરમાં નિમ્ન મધ્યવર્ગનાં નાગરિકોની મોટી સંખ્યા છે અને તેમને પણ ઘરનાં ઘરનો લાભ મળવો જોઇએ તેવા અભિગમ સાથે મ્યુનિ.એ લોઅર ઇન્કમગ્રૃ (એલઆઇજી) આવાસ યોજના પ્રોજેક્ટ પણ હાથ ધર્યા છે. જેમાં એલઆઇજી ફેઝ-૨ અંતર્ગત ૩ જગ્યાએ ૧૯૦૮ આવાસની કામગીરી પૂરી કરવામાં આવી છે. જોકે શહેરમાં એલઆઇજી પ્રકારનાં મ્યુનિ.નાં આવાસની ડિમાન્ડ વધવા પામી છે.
મ્યુનિ. દ્વારા એલઆઇજી આવાસ યોજનામાં બે રૂમ રસોડાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તેમાં લાભાર્થીનો ફાળો ફક્ત સાડા પાંચ લાખ રૂપિયા જ છે. એટલે કે જેને મ્યુનિ.ની એલઆઇજી સ્કીમમાં મકાન લાગે તેણે ફક્ત સાડા પાંચ લાખ રૂપિયા જ ભરવાનાં રહે છે. તેની સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની દોઢ-દોઢ લાખ મળી ત્રણ લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે.
જોકે આ બધામાં સૌથી મોટો હિસ્સો મ્યુનિ.નો ગણાય કેમ કે જે પ્લોટ ઉપર ગરીબ આવાસ કે એલઆઇજી આવાસ બને તે પ્લોટ જ કરોડો રૂપિયાની કિંમતનો હોય છે, જે મ્યુનિ. દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, મ્યુનિ.ની એલઆઇજી આવાસ યોજનામાં જે મકાન ફક્ત સાડા પાંચ લાખમાં લોકોને મળે તે જ મકાન પ્રાઇવેટ બિલ્ડર કે ડેવલપર્સ દ્વારા ૩૦-૩૫ લાખ રૂપિયામાં વેચવામાં આવે છે.SS1MS