૧૦૦થી વધુ બેઠકો માટે પ્રધાનમંત્રીએ ૩૮ સભાને સંબોધન કર્યું
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન સોમવારે પાંચ ડિસેમ્બરે યોજાશે. ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં સરકારી અને ભાજપના કુલ ૬૧ કાર્યક્રમોમાં હાજરી આપી છે.
તેમણે ગુજરાતમાં કુલ ૩૮ સભાઓ સંબોધી છે. જ્યારે રાજ્યની ૧૦૦થી વધુ બેઠકો પર પ્રચાર કર્યો છે. હવે તેઓ ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં છેલ્લી ઘડીનો પ્રચાર કર્યો. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓની ફોજ પણ પ્રચારના મેદાનમાં ઉતરી ગઈ હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારનો છેલ્લો દિવસ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના કાંકરેજ, પાટણના યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદના સોજીત્રા તેમજ અમદાવાદના સરસપુરમાં જાહેર જનસભા સંબોધી.
જાેકે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની સભા અને રોડ-શોની કેટલી અસર જાેવા મળે છે તે તો આવનાર દિવસોમાં ખબર પડી જશે. સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જાેરશોરથી પ્રચાર કરતા રહ્યા છે અને આજે વડાપ્રધાનના પ્રચારનો છેલ્લો દિવસ છે.
જાેકે ભાજપના ઝંઝાવાતી પ્રચારને કારણે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ પણ ન બની શક્યો. તેનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને મળતો જાેવા મળી રહ્યો છે. હવે આગામી ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે.