મચ્છરજન્ય રોગચાળો વકર્યો: રાજકોટમાં ડેન્ગ્યુના ૧૦૦ કેસઃ રોગચાળાથી ૨૦નાં મોત
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં વાઇરલ ઇન્ફેક્શન, ઝાડા-ઊલટી, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં ચિંતાજનક હદે વધારો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ વિવિધ શહેરોમાં તાવ, ડેન્ગ્યુ, કમળો, કોલેરા જેવા રોગના દસ હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.
અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી બને છે કે આ આંકડો માત્ર શહેરની સરકારી હોસ્પિટલો પૂરતો જ સીમિત છે. જો એમાં ખાનગી હોસ્પિટલો, ખાનગી ક્લિનિક સહિત અન્ય સરકારી દવાખાનાંમાં નોંધાયેલા કેસના આંકડા ઉમેરવામાં આવે તો આ આંકડો અત્યંત ચોકવાનારો હોઈ શકે છે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસમાં વાઇરલ ઇન્ફેક્શનના ૪,૧૭૧ કેસ નોંધાયા હતા. તદુપરાંત ઝાડા-ઊલટીના ૪૨, ટાઈફોઇડના ૧૧ અને કમળાના ૨૪ દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, એટલે કે હાલમાં પાણીજન્ય રોગ કરતાં મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાયેલો છે.
સ્વાઇન ફ્લૂના ૧૦ પોઝિટિવ રિપોર્ટ ૧૫ દિવસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનાં લક્ષણો સાથે ૭૮ દર્દી સારવાર અર્થે આવ્યા હતા, જેમાંથી ૧૦ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડેન્ગ્યુના ૧,૩૩૭ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી ૨૬૮ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મલેરિયાનાં ૧,૮૨૨ સેમ્પલમાંથી ૬૨ તથા ચિકનગુનિયાના ૧૨૪ સેમ્પલમાંથી ૨૦ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ડેન્ગ્યુના ૨૯ નવા કેસો સામે આવતાં એક માસમાં કુલ ૧૦૦ જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત ટાઇફોઇડ, તાવના ૫ તેમજ કમળાના ૨ દર્દી સામે આવ્યા છે. તો વિવિધ રોગોના અગાઉના ૧૯૬૮ સામે ચાલુ સપ્તાહે ૨૩૭૬ કેસ નોંધાયા છે, જેમાં શરદી- ઉધરસના સૌથી વધુ ૧૨૩૯ દર્દી નોંધાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોના છે.રાજકોટની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઊમટી પડતાં લાંબી કતારો જોવા મળી રહી છે.
વડોદરા શહેરમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી અને કાદવ કિચડના કારણે મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. ખાસ કરીને ડેન્ગ્યુ, મલેરિયાના દર્દીઓ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. હાલ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે.
શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, કોલેરા સહિતના કેસોનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સિઝનમાં સૌથી વઘુ સપ્ટેમ્બરમાં છેલ્લા ૧૪ દિવસમાં ૬૮ કેસ ડેન્ગ્યુના, ૦૫ કેસ ચિકનગુનિયાના, ૨૨ કેસ મલેરિયાના અને ૦૩ કેસ કોલેરાના નોંધાયા છે, જ્યારે ઝાડા-ઊલટીના હજારો કેસ સામે આવી રહ્યા છે. વડોદરા શહેરમાંથી ડેન્ગ્યુના કેસો જે વિસ્તારમાંથી સામે આવ્યા છે
એમાં ખાસ કરીને ગોત્રી, દંતેશ્વર, મકરપુરા, સુભાનપુરા, તરસાલી, કિશનવાડી, અકોટા, રામદેવનગર, યમુના મિલ, ફતેગંજ, ફતેપુરા, આદર્શનગર, શિયાબાગ, એકતાનગર, મુજમોહૂડા, દિવાળીપુરા, વારસિયા, માણેજા, તાંદલજા, વડસર, હરણી, બાપોદ, સમા, ગોરવા, પાણીગેટ, ગોકુલનગર જેવા વિસ્તારોમાં આવા કેસો સામે આવ્યા છે. જ્યારે મલેરિયાના પણ મોટા ભાગના કેસો આ વિસ્તારોમાંથી સામે આવ્યા છે.
સુરતમાં પણ રોગચાળા એ કાળો કહેર વર્તાવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઊભરાઈ રહી છે. શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૭ દિવસમાં ડેન્ગ્યુ, તાવ અને ઝાડા-ઊલટીના કારણે ૯ મહિનાના બાળકથી લઈને ૭૨ વર્ષના વૃદ્ધ સહિત ૨૦ લોકો મોતને ભેટ્યા છે. સુરતમાં ડેન્ગ્યુએ એક મહિલા ડોક્ટરનો ભોગ લીધો છે.