અમદાવાદમાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફરી વકર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/mosquito.jpg)
છેલ્લા એક સપ્તાહ દરમિયાન મચ્છરોએ ફરી ઉપાડો લીધો
અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. શિયાળાની શરૂઆત મોડી થયા બાદ અચાનક કડકડતી ઠંડી, ત્યારબાદ વાદળછાયું વાતાવરણ અને માવઠું અને હવે ફરી બેવડી ઋતુના અહેસાસે મચ્છરજન્ય રોગચાળો વધાર્યો છે. ફરી ખાનગી દવાખાના અને સરકારી હોસ્પિટલોમાં ઓપીડી વધી છે. દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મચ્છરજન્ય રોગચાળાના કારણે દર્દીઓ મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા રોગનો શિકાર બની રહ્યા છે.
જ્યારે વાઈરલ ઈન્ફેકશન, શરદી, તાવ અને ખાંસીની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા પણ ઓછી નથી. મચ્છરજન્ય સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટાવની સાથે લોકોને રાહત મળી છે પરંતુ આ રાહત રોગચાળાનું પ્રમાણ વધારવામાં પણ કારણભૂત બની રહી છે. શહેરમાં અત્યારે બપોરે ગરમીનો અહેસાસ અને સવારે તેમજ રાત્રે ઠંડી સાથે લોકો બેવડી ઋતુમાં ફસાયા છે.
શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકમાં પણ દર્દીની લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન સરકારી હોસ્પિટલો અર્બન હેલ્થ સેન્ટર અને ખાનગી દવાખાનાઓમાં મચ્છરજન્ય રોગના સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લેતા આ સંખ્યા પાંચ ગણાથી વધુ હોવાની શકયતા છે. ઝાડા-ઉલ્ટી સહિતના અન્ય રોગના દર્દીઓમાં મોટો વધારો નોંધતાં આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.
હજુ પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ સંબંધિત સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે. કારણ કે, પ્રિ-ન્યુ યર સેલિબ્રેશન અને ન્યુ યર સેલિબ્રેશનમાં લોકો ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. જ્યાં વધુ પ્રમાણમાં ગ્રીનરી અને લોનમાં દિવસે પાણીનો છંટકાવ થયો હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળ્યો હતો. આ કારણે હજુ પણ મેલેરિયા, ચિકનગુનિયા કે ડેન્ગ્યુના રોગમાં વધારો થવાની શક્યતા છે. એટલું જ નહીં લોકોએ ન્યુ યર સેલિબ્રેશન દરમિયાન બહારનું પાણી, બહારનો ખોરાક ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાવા સાથે ઠંડી હવા ભળતા વાઈરલ અને પાણીજન્ય રોગથી પીડિત દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
શિયાળાની શરૂઆતે ડેન્ગ્યૂ, મલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા એક સપ્તાહ દરમિયાન મચ્છરોએ ફરી ઉપાડો લીધો હોય તેમ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ શરદી-ઉધરસના, સામાન્ય તાવ, ઝાડા-ઉલ્ટીના અને ટાઈફોઈડના દર્દી નોંધાઈ રઈહ્યા છે. મચ્છરજન્ય રોગોને કારણે તાવ, માથાનો દુઃખાવો અને શરદી જેવા લક્ષ્ણોથી મોટા પ્રમાણમાં દર્દી પીડાય છે.
જેમાં દર્દીને શરૂઆતી તબક્કે વાઈરલ ઈન્ફેકશન હોય તેવું લાગે છે, પરંતુ તેના લક્ષણો ચેપના ૧૦થી ૧પ દિવસ પછી શરૂ થટાય છે. દર્દીને તાવની સાથે ઉલ્ટી, ઝાડા અને માથાના દુઃખાવાના ફરિયાદ પણ રહે છે. નબળી રોગપ્રતિકારકશક્તિ ધરાવતા લોકો તાજેતરમાં કોઈ રોગ અથવા ઓપરેશન કરાવેલ લોકો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તેનું જાખેમ વધે છે.
ડેન્ગ્યૂ બ્રેક બોન ફીવર તરીકે પણ ઓળખાય છે. દર્દીને માથાનો તીવ્ર દુઃખાવો, સ્નાયુ અને સાંધાનો દુઃખાવો, ખૂબ તાવ, ઉબકા થાક, પેટમાં દુઃખાવો, ઉલ્ટીની સમસ્યા થતાં તે હોસ્પિટલમાં આવે છે જ્યારે ચિકન ગુનિયામાં ચેપના પ્રથમ બે અઠવાડિયામાં દર્દીમાં સાંધાનો તીવ્ર દુઃખાવો અને જડતા આવે છે.