અમદાવાદના આટલા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવઃ રોગચાળાની દહેશત
તંત્ર દ્વારા મેગા ટ્રિગર ઈવેન્ટ હેઠળ કસૂરવાર એકમો પાસેથી રૂા.૧૫.૯૩ લાખથી વધુ દંડ વસૂલાયો
અમદાવાદ, મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનના આદેશ મુજબ હેલ્થ વિભાગ દ્વારા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, એસ્ટેટ વિભાગ, ટેક્સ વિભાગ, સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સંકલનમાં રહીને તમામ ઝોન ખાતે મેગા ટ્રિગર ડ્રાઈવ યોજાઈ હતી.
જેમાં સવારના ૮ઃ૦૦ વાગ્યાથી સાંજના ૭ઃ૦૦ વાગ્યા સુધી સત્તાવાળાઓએ મચ્છરોના નિયંત્રણ હેતુ વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન રહેણાક વિસ્તારમાં મચ્છરોના પોરા બાબતે ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી કરતાં દક્ષિણ ઝોનના મણિનગર, બહેરામપુરા, દાણીલીમડા, ઈસનપુર, વટવા, ખોખરા અને ઈન્દ્રપુરી વોર્ડમાં મચ્છરોનો સૌથી વધુ અને ભયાનક ઉત્પાત મળી આવ્યો હતો.
મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા દક્ષિણ ઝોનમાં ૨૮,૩૬૩ ઘરની મુલાકાત લેવામાં આવી હતી, જે પૈકી સૌથી વધુ ૫૫૯ ઘરમાંથી પોરા મળી આવ્યા હતા, જ્યારે ૬૧,૫૮૪ પાત્રની તપાસ કરતાં સૌથી વધુ ૭૯૫ પાત્રમાં પોરા મળી આવ્યા હતા.
દક્ષિણ ઝોન બાદ પૂર્વ ઝોનમાં મચ્છરોનો ત્રાસ વધુ જાેવા મળ્યો છે.
આ ઝોનના નિકોલ, ભાઈપુરા- હાટકેશ્વર, ઓઢવ, ગોમતીપુર, અમરાઈવાડી, વિરાટનગર, રામોલ-હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં આવેલાં કુલ ૧૭,૩૫૬ ઘરની તંત્રે મુલાકાત લીધી હતી, જે પૈકી ૧૮૬ ઘરમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા.
દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન બાદ મધ્ય ઝોનમાં મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાનું તંત્રના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે. આ ઝોનના દરિયાપુર, ખાડિયા, જમાલપુર, શાહપુર, અસારવા અને શાહીબાગ વોર્ડના રહેણાંક વિસ્તારોનાં ૬,૩૧૭ ઘર પૈકી ૯૬ ઘરમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. આ ઘરોમાં આવેલાં કુલ ૧૫,૫૭૪ પાત્રની તપાસ દરમિયાન ૯૭ પાત્રમાંથી પોરા જણાઈ આવ્યા હતા.
પશ્ચિમ ઝોનનાં ૧૪૦ ઘર અને ૧૬૨ પાત્રમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. ઉત્તર ઝોનનાં ૮૫ ઘર અને ૯૫ પાત્ર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૭૬ ઘર અને ૮૦ પાત્ર, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૫૭ ઘર અને ૭૨ પાત્ર પોરાગ્રસ્ત મળી આવ્યાં હતાં.
મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા એક જ દિવસમાં શહેરનાં ૭૨,૭૨૬ ઘરની મુલાકાત લેવામાં આવી હતી, જે પૈકી ૧,૧૯૯ ઘરમાં મચ્છરોના પોરાનું અસ્તિત્વ મળી આવ્યું હતું. આટલાં ઘરમાં આવેલાં કુલ ૮૯,૩૦૯ પાત્રની તપાસ કરતાં તંત્રને ૧,૫૧૦ પાત્રમાંથી પોરા મળી આવ્યા હતા.
હેલ્થ વિભાગની ટીમ દ્વારા એસ્ટેટ વિભાગ સાથે સંકલનમાં રહીને ૩૩૯ એકમોની તપાસ કરાઈ હતી, જે પૈકી ૨૪૪ એકમોને નોટિસ ફટકારીને કુલ રૂ.૧૫,૯૩,૫૦૦નો વહીવટીચાર્જ વસૂલવામાં આવ્યો હતો. દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ રૂા.૪.૭૧ લાખ, પશ્ચિમ ઝોનમાંથી રૂ.૩.૬૨ લાખથી વધુ,
પૂર્વ ઝોનમાંથી રૂા.૩.૬૨ લાખથી વધુ, પૂર્વ ઝોનમાંથી રૂા.૨.૭૫ લાખ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧.૪૬ લાખ, ઉત્તર ઝોનમાંથી રૂ.૬૫,૦૦૦ અને મધ્ય ઝોનમાંથી સૌથી ઓછો રૂા.૩૦,૦૦૦નો વહીવટચાર્જ વસૂલાયો હતો.