લોકસભાની ચૂંટણી પ્રતીકોમાં કબાટ, ટીવી, રીક્ષા, બેટ, બેટરી જેવા ચિહ્નો
(માહિતી)વડોદરા, ચૂંટણી લડતા ઉમેદવારો માટે તેમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતીક પણ બહુ મહત્વનું છે. માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો માટે તો આવા ચૂંટણી પ્રતીકો અનામત રાખવામાં આવે છે, સ્વતંત્ર ઉમેદવારો માટે ચૂંટણી પ્રતીકોની વ્યવસ્થા કેવી રીતે થાય છે ? એ જાણવું રસપ્રદ છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા આ માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને મુક્ત પ્રતીકોની યાદી જાહેર કરવામાં આવે છે. લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં ૧૯૦ ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે, તેમાં સૌથી વધુ ૧૬ પ્રતીકો શાકભાજી, ફળફળાદીના છે. એ પછીનો ક્રમ રમતગમતના પ્રતીકોનો આવે છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં જાહેર કરવામાં આવેલા મુક્ત પ્રતીકોની યાદી પણ ઘણી રસપ્રદ છે. તેમાં સૌથી વધુ શાકભાજી અને ફળફળાદીના પ્રતીકો છે. તેમાં તરબૂચ, અખરોટ, વટાણા, નાસપતિ, મગફળી, ભિંડો, ફણસ, લીલું મરચું, દ્રાક્ષ, આદુ, સફરજન, ફળની ટોકરી, ફૂલાવર, શીમલા મરચું, નારિયેલી ફાર્મ, શેરડી અને ખેડૂતનો સમાવેશ થાય છે.
રાજ્ય કક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને જે તે રાજ્ય માટે કેટલાક પ્રતીકો અનામત આપવામાં આવ્યા છે. ચૂંટણી પ્રતીકોમાં રમતગમતનું પણ પ્રભુત્વ જોવા મળે છે. વિવિધ રમતના સાધનો સહિત કુલ ૧૨ જેટલા ચિહ્નોને ચૂંટણી પ્રતીક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં બેટ, બેટ્સમેન, હોકી રમતો ખેલાડી, કેરમ, ચેસબોર્ડ, ડમ્બેલ, ફૂટબોલ ખેલાડી, હોકી અને બોલ, કુદવાનું દોરડું, સ્ટમ્પ, ટેનિસ બોલ અને રેકેટ, ભાલાફેંકને આવરી લેવામાં આવ્યા છે.
ભારતના ચૂંટણી પંચના નિયમો એવા છે કે, કોઇ રાજકીય પક્ષ લોકસભાની કુલ બેઠકમાંથી બે ટકા અર્થાત ૧૧ બેઠકો જીતે અને તે પણ લઘુત્તમ ત્રણ રાજ્યમાંથી ! લોકસભા કે વિધાનસભાની સામાન્યની ચૂંટણીમાં લઘુત્તમ ચાર રાજ્યોમાં માન્ય મતોમાંથી ૬ ટકા મતદાન હિસ્સો મળવા ઉપરાંત ઓછામાં ઓછા ચાર રાજ્યમાં રાજ્યપક્ષનો દરજ્જો મળ્યો હોય તો તે પક્ષ રાષ્ટ્રીય પક્ષની માન્યતા માટે લાયકી ધરાવે છે.
જ્યારે, રાજ્યકક્ષાના રાજકીય પક્ષની માન્યતા માટેના ધોરણો જોઇએ તો જે તે પક્ષ ઓછામાં ઓછા પાંચ વર્ષથી રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવો જોઇએ.