દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં મેલેરિયાના મોટાભાગના કેસ ભારતમાં નોંધાયા

Files Photo
ગયા વર્ષે વિશ્વમાં ૨૫ કરોડ લોકો મેલેરિયાનો ભોગ બન્યા-મેલેરિયાને કારણે 94 ટકા મૃત્યુ ભારત અને ઇન્ડોનેશિયામા
(એજન્સી)નવીદિલ્હી, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ગયા વર્ષે ભારતમાં મેલેરિયાના સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના WHO મેલેરિયા અંગેના તાજેતરના અહેવાલ મુજબ, ૨૦૨૨માં દક્ષિણ-પૂર્વ એશિયાના નવ દેશોમાં મેલેરિયાના વધુ કેસ નોંધાયા હતા. લગભગ ૯૪ ટકા મૃત્યુ ભારત અને ઇન્ડોનેશિયામાં થયા છે. રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં મેલેરિયાના કેસ વધી રહ્યા છે ત્યારે દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં મેલેરિયાના મોટાભાગના કેસ ભારતમાં નોંધાયા છે.
ગયા વર્ષે, વિશ્વમાં મેલેરિયાના અંદાજિત કેસ ૨૪.૯ કરોડ હતા, જે ૨૦૧૯માં કોરોના પહેલાના ૨૩.૩ કરોડ કરતાં ૧.૬ કરોડ વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં મેલેરિયાના ૫૦ લાખ વધારાના કેસ નોંધાયા હતા. પાકિસ્તાનમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. ત્યાં, ૨૦૨૧ માં પાંચ લાખની તુલનામાં ૨૦૨૨ માં લગભગ ૨૬ લાખ કેસ નોંધાયા હતા. ઇથોપિયા, નાઇજીરીયા, પાપુઆ ન્યુ ગિની અને યુગાન્ડામાં પણ વધારો જોવા મળ્યો હતો.
રિપોર્ટમાં ક્લાઈમેટ ચેન્જના વધતા ખતરા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તાપમાન, ભેજ અને વરસાદની પેટર્નમાં ફેરફાર મેલેરિયા વહન કરતા એનોફિલિસ મચ્છરના વર્તન અને અÂસ્તત્વને અસર કરી શકે છે. ગરમીના મોજા અને પૂરની ઘટનાઓ પણ ટ્રાન્સમિશન અને રોગમાં વધારો કરી શકે છે.
ભારતમાં હિમાલયનો વિસ્તાર આબોહવા પરિવર્તન માટે ખૂબ જ સંવેદનશીલ છે. તાપમાનમાં વધારાને કારણે ઠંડા વિસ્તારો પણ મેલેરિયા અને ડેન્ગ્યુ માટે અનુકૂળ બન્યા છે. અતિશય વરસાદ અને ઊંચા પહાડોમાં વધતા તાપમાનને કારણે ચેપી રોગો ઝડપથી ફેલાય છે. અતિશય વરસાદ પર્વતીય વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિમાં મદદ કરે છે.