મોટેરાથી-ગીફ્ટ સીટી સુધીની મેટ્રો સેવા સલામતી નિરીક્ષણ માટે આ દિવસે ચાર કલાક બંધ રહેશે

અમદાવાદ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તારીખ ૧૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-૧/ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત રહેશે. આ વિક્ષેપ કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા ગાંધીનગર રૂટનું નિરીક્ષણ કરવા માટે છે.
નિયમિત મુસાફરોએ નોંધ લેવી કે નિરીક્ષણ પૂર્ણ થયા બાદ, મેટ્રો સેવાઓ ફરી શરૂ થશે. પ્રથમ ટ્રેન સેક્ટર-૧ થી મોટેરા સ્ટેડિયમ તરફ બપોરે ૧૨:૫૮ કલાકે પ્રસ્થાન કરશે, અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-૧ તરફ બપોરે ૧:૧૨ કલાકે પ્રસ્થાન કરશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની તમામ ટ્રેનો હાલના સમયપત્રક અનુસાર ચાલશે.
અમદાવાદ શહેરની અંદરની મેટ્રો સેવાઓ, જેમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMCથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટ્સનો સમાવેશ થાય છે, તે નિયમિત સમયપત્રક અનુસાર સામાન્ય રીતે ચાલુ રહેશે.
હાલમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો દરરોજ સવારે ૮:૦૦ થી રાત્રે ૮:૧૪ વાગ્યા સુધી કાર્યરત છે. ૧૯ એપ્રિલના રોજ મુસાફરી કરવાની યોજના બનાવતા મુસાફરોને તેમની મુસાફરી તદનુસાર આયોજિત કરવાની સલાહ આપવામાં આવે છે.