દીકરીનું કન્યાદાન કરી એ જ મંડપમાં માતાએ ફેરા લીધા
ગોરખપુર: એક જ મંડપમાં મા અને દીકરી બંનેના લગ્ન થવાની વાત સાંભળવામાં ભલે અનોખું લાગતું હોય, પરંતુ આવું હકીકતમાં બન્યું છે. લગ્નના આ અનોખો મંડપમાં બે પેઢીઓ સાત ફેરાની સાક્ષી બની. આમ તો આ મંડપમાં એક સાથે ૬૩ લગ્ન થયા, પરંતુ ચર્ચા માત્ર એક લગ્નની રહી.
યુપીના સીએમ યોગી આદિત્યનાથના ગૃહક્ષેત્ર ગોરખપુરમાં મા અને દીકરીના લગ્ન એક જ મંડપમાં થયા. બેલાદેવીએ પહેલા પોતાની દીકરીનું કન્યાદાન કરી પોતાની ફરજ નિભાવી. તે પછી પોતે લગ્નનું પાનેતર ઓઢી એ જ મંડપમાં પોતાના જીવનસાથી સાથે બેઠી. ગોરખપુરમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના અંતર્ગત ૬૩ વરઘોડીયાંના એક સાથે લગ્ન થયા.
આ લગ્ન સમારંભમાં માતા અને દીકરીના એક મંડપમાં લગ્નએ બધાના દિલ જીતી લીધા. પિપરોલીના રહેવાસી મા અને દીકરીએ અહીં પોત-પોતાના જીવનસાથી સાથે સાત ફેરા લીધા. નોંધનીય છે કે, બેલાદેવીના પાંચ બાળકોમાંથી ચારના પહેલા જ લગ્ન થઈ ચૂક્યાં છે. આ સમૂહલગ્નમાં બેલાદેવીની દીકરી ઈંદુના લગ્ન પાલીના રહેવાસી રાહુલ સાથે થયા. ખાસ વાત એ રહી કે, દીકરીનું કન્યાદાન કર્યા બાદ બેલાદેવીએ એ જ મંડપમાં લગ્ન કર્યા. તેમના લગ્ન ૫૫ વર્ષના જગદીશ સાથે થયા. ઉંમરના છેલ્લા પડાવમાં જીવનસાથી પસંદ કરીને બંનેએ જીવનની નવી શરૂઆત કરી.
દીકરા-દીકરીઓના લગ્ન બાદ બેલાદેવી માટે એકલા જીવન પસાર કરવું સરળ ન હતું. બેલાદેવી અને તેમના જીવનસાથી જગદીશે બાળકો અને પરિવારજનો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ લગ્ન કરવાનો ર્નિણય લીધો. મા-દીકરીના એક જ મંડપમાં થયેલા આ લગ્નની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. પિપરોલીના કુરમોલા ગામના રહેવાસી બેલાદેવીના પતિનું મોત ૨૫ વર્ષ પહેલા થઈ ગયું હતું. પહેલા પતિથી બેલાદેવીના બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. ૨૫ વર્ષથી એકલવાયું જીવન જીવી રહેલા બેલાદેવીએ પરિવારની સલાહથી પોતાના જ દિયર સાથે લગ્ન કર્યા.
જગદીશ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. ખેતી કરીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરનારા ૫૫ વર્ષના જગદીશ અપરિણિત રહીને જીવન પસાર કરી રહ્યા હતા. જ્યારે સમૂહલગ્નના કાર્યક્રમ વિશે જગદીશ અને બેલાદેવીને જાણ થઈ તો તેમણે એ જ મંડપમાં લગ્ન કરવાનો ર્નિણય કર્યો, જ્યાં બેલાદેવીની દીકરીના સાત ફેરા થવાના હતા.