Western Times News

Gujarati News

વડગામ તાલુકાના શેરપુરામાં પુત્રએ માથામાં પાવડો મારતાં માતાનું મોત

પ્રતિકાત્મક

વડગામ, વડગામ તાલુકાના શેરપુરા (સે) ગામમાં ૨૫ વર્ષિય પુત્રએ કોઈ અગમ્યકારણોસર માતાના માથામાં પાવડો મારી દેતાં માતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બાબતે વડગામ પોલીસે પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડગામ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શેરપુરા (સે) ખાતે રહેતા સુરેશભાઈ ધનજીભાઇ કટારીયાનાં પત્ની મધુબેન (ઉ.વ.૫૦)ને બુધવારે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં તેમના પુત્ર પરીમલે કોઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાઇ જઇને ઘરની બહાર પડેલો લોખંડનો પાવડો માર્યાે હતો.

પુત્રએ માતા મધુબેનના માથાના ભાગે પાવડાનો જોરદાર ફટકો મારતાં ગંભીર ઈજાગ્રસ્ત મધુબેન ઘટનાસ્થળે જ બેભાન થઈને પડી ગયાં હતાં. તેવા સમયે બહાર ગયેલા પરીમલના પિતા સુરેશભાઇ આવી જતાં દિકરાના હાથમાં પાવડો અને તેમની પત્નીને બાજુમાં નીચે બેભાન અવસ્થામાં જોઈ હચમચી ઉઠ્યા હતા.

મધુબેનનું ઘટનાસ્થળે જ મોત થતાં બાદમાં તેમનો મૃતદેહ વડગામ સિવિલ ખાતે પી.એમ. માટે લવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા પોસ્ટમોર્ટમ કરીને લાશ પરીવારજનોને સોંપાઈ હતી.

સુરેશભાઈએ વડગામ પોલીસ મથકે પુત્ર પરીમલ સામે લખાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમનો પુત્ર પરીમલ દોઢક વર્ષથી ગુસ્સામાં રહેતો હતો અને આજે ગુસ્સામાં મધુબેનના માથામાં પાવડો ફટકારતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, મૃતક મધુબેન કટારીયાને બે પુત્રો અને એક પુત્રી છે. જે પૈકી પુત્રીનાં લગ્ન થઇ ગયેલાં છે, પરીમલ મોટો દિકરો છે અને એક ભાઇ નાનો છે.હાલમાં હત્યાનું કારણ જાણવા નથી મળ્યું ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, યુવકની અટકાયત કરાઇ છે. પરંતુ હત્યાનું સાચું કારણ પુછપરછ દરમિયાન જ જાણવા મળી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.