માતાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા ૧૩ વર્ષનો દિકરો રહસ્યમય રીતે ગૂમ
ત્રણ દિવસ પહેલાં બાળક ગુમ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
(એજન્સી)અમદાવાદ, આજના યુગમાં દરેક વ્યક્તિ મોબાઈલનો વપરાશ કરતી હશે. નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ પણ સ્માર્ટ મોબાઈલ ફોનનો યુઝ કરે છે. આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં મોબાઈલનું વ્યસન દરેક વ્યક્તિમાં જોવા મળે છે તેમાંય ખાસ કરીને બાળકોને મોબાઈલ આપવામાં આવે નહીં તો તે આખું ઘર માથે લઈ લેતાં હોય છે.
આવો જ એક કિસ્સો દાણીલીમડામાં બન્યો છે. કિશોર મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે તે માતાએ ગુસ્સો કરીને જમી લેવાનું કહ્યું હતું કે, માતાની વાત મન પર લગાવી લેતાં કિશોર મોબાઈલ પલંગમાં ફેંકીને સીધો ઘર છોડીને જતો રહ્યો હતો. ત્રણ દિવસથી કિશોરનો કોઈ પત્તો લાગ્યો નથી. જેથી દાણીલીમડા પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાળકોમાં વધી રહેલું મોબાઈલનું વ્યસન માતા-પિતા માટે ચિંતાજનક મુદ્દો બની ગયો છે.
દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના સિંગહા ગામની રહેવાસી સદરૂનીશા નાઝીમ અન્સારીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી છે. સદરૂનીશા કાશીરામ ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેનો પતિ નાઝીમ સિલાઈકામ કરીને ગુજરાન ચલાવે છે.
સદરૂનીશાને બે દિકરા અને ત્રણ દીકરીઓ છે જેમાં મોટી દીકરી રાબિયાના લગ્ન થઈ ગયા છે, તેનાથી નાની દીકરી જુબેદા, સાબિયાખાતુન અને દિકરો રહેમાન અને અરમાન છે. ર૦ તારીખના રોજ સવારના સાડા નવ વાગ્યાની આસપાસ ૧૩ વર્ષીય રહેમાન મોબાઈલ પર ગેમ રમતો હતો. સદરૂનીશાએ રહેમાનને કહેવા લાગી હતી કે, કયારનો મોબાઈલમાં ગેમ રમે છે.
મેં જમવાનું બનાવી દીધું છે અને હું કામ કરવા જઉં છું. સદરૂનીશાએ અનેક વખત રહેમાનને કહ્યું પરંતુ તેનું ધ્યાન મોબાઈલમાં ગેમ રમવા પાછળ હતું. સદરૂનીશાએ રહેમાનને જોરથી બૂમ પાડીને ધમકાવ્યો હતો અને મોબાઈલ સાઈડમાં મૂકી દેવાનું કહ્યું હતું. માતાએ ગુસ્સામાં બોલતા રહેમાન મોબાઈલ પલંગ પર પછાડીને ઘર બહાર જતો રહ્યો હતો.
રહેમાન બહાર જઈ રહ્યો હતો ત્યારે સદરૂનીશાએ તું ક્યાં જાય છે તેમ પૂછયું હતું પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં રહેમાન જવાબ આપ્યા વગર તેના ઘર બહાર જતો રહ્યો હતો. રહેમાન થોડીવારમાં પાછો આવી જશે તેવું સદરૂનીશાને હતું, પરંતુ તે પરત નહીં આવતાં તે ટેન્શનમાં આવી ગઈ હતી. સદરૂનીશાએ તરત જ તેના પતિને જાણ કરી દીધી હતી.
ત્યારબાદ તેની દીકરીઓ સાથે રહેમાનને શોધવા માટે નીકળી હતી. સદરૂનીશા તેમજ સગાસંબંધીઓએ રહેમાનની રિવરફ્રન્ટ, ગાર્ડન, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ વિવિધ જગ્યા પર જઈને શોધખોળ કરી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. સદરૂનીશાને શંકા હતી કે રહેમાન ગુસ્સામાં તેના ગામ જતો રહ્યો હશે પરંતુ તેની તે શંકા પણ ખોટી સાબિત થઈ હતી.
સદરૂનીશાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી. રહેમાનને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોય તેવી શંકા સદરૂનીશાએ વ્યક્ત કરી છે. દાણીલીમડા પોલીસ સદરૂનીશાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું છે અને રહેમાનને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ કેસમાં જોડાઈ છે અને તેમણે પણ તપાસ શરૂ કરી છે.