‘બા’ની સદેહી ચેતના ‘રામ’ થઈ!
(તખુભાઈ સાંડસુર)
મંગળવારનો 19 ડિસેમ્બર 2023 નો એ દિવસ સૂરજનારાયણે પૂર્ણ કળાએ અવતરીને હવે પ્રસ્થાન કરી દીધું છે.હવે ‘બા’નો શ્વાસ થોડો વધી ગયો હતો. દર વખતની જેમ તેને કપાળે હું હાથ મૂકું એટલે ડાબી બાજુની એક નસનો ધબકારોનો સ્પર્શ આંગળી પામી શકે.
પણ મેં ‘બા’ની આંખો સ્થિર થતી જોઈ.મેં નાની ટબુડીમાં પડેલું ગંગાજળ ચમચીથી’ બા’ ને આચમન કરાવ્યું.ઘૂંટડો ઉતરી ગયો, બસ આ ઘૂંટડો કદાચ જીવનનો અંતિમ ઘૂંટડો હતો. આંખો એકદમ સ્થિર થઈ મેં ફરી કપાળે હાથ મુક્યો તો હવે તે નસનો ધબકારો મારી આંગળી પામી શકતી નથી.
મેં ‘બા’ ગાલ પર સહેજ ટપલી મારીને ‘બા-બા’ એવો ચિત્કાર કર્યો.ગળે ડૂમો ભરાઈ ગયો હતો.’બા’ની સદેહી ચેતના હવે અનંત ગમન કરી ચૂકી હતી.’બા’ની વય તો શતાબ્દીમાં પાંચેક ઓછાં હતાં.
પરંતુ હજુ હમણાં જ ‘બા’ નાનપણમાં સાદ પાડતી, વારતી, ટપારતી અનુભવાય છે.આંખો,અવાજ અને ગળાનું સંમિશ્રણ એકદમ વરસી પડ્યું.હુ સ્વસ્થ થયો કારણ કે હું હવે પરિવારનો સૌથી વયસ્ક સભ્ય હતો.
સને 2020મા બાપુ વિલય થયાં.આ ઘાત હજું ઉપડે ત્યાં મોટાભાઈ સ્વ.રામભાઈ 2021મા વિહાર કરી ગયા.અને આજે ‘બા’ ની વિદાય..! ભારતીય દર્શન મૃત્યુને અનિવાર્ય ઉત્સવ તરીકે જુએ છે પણ જ્યારે આ ઝબુક વિજળીનો છેડો સહેજ સ્પર્શે ત્યારે બધું કડડભૂસ થતું દેખાય છે.
મૃત્યુ જીવનનો અંતિમ પડાવ કદાચ નથી પરંતુ નવા જીવનનો પ્રારંભ છે. સર્જન જે રીતે ગતિ કરે છે ત્યારે એનો અંતિમ છોર અને છેલ્લો મણકો વિસર્જન જ હોય તે ખૂબ સ્વાભાવિક છે.પરંતુ સર્જન થયેલી જીવનની રંગોળીઓમાંથી રંગોને તારવતા, અનુભવતા એ એટલાં આપણી સાથે વણાઈ ગયા છે
કે તેના વિલય કે અદ્રશ્યતાને મન સ્વીકારી શકતું નથી. પરંતુ તો પણ ભગવાન કૃષ્ણના એ ગીતા વાક્યો સતત મમળાવીને તેમાંથી અર્ક કાઢીને આપણે પાછાં ફરવું પડે છે. અને જે પાછો ફરે છે એ જ અજેય અર્જુન બને છે.એ અજેયતા આખરે સુખ, સમૃદ્ધિ, ધન, ધન્ય લાવનારી અને આપદા, વિપત્તિને દફનાવનાનારી સાબિત થાય છે.હું એ જ દર્શનને પકડીને ફરી સૌને આશ્ર્સ્થ કરવા લાગ્યો.
બા ખૂબ મહેનતુ અને અભણ,બાપુ સામાન્ય ધુડી નિશાળના શિક્ષક તરીકે પોતાનું કર્તવ્ય બજાવતા બજાવતા ખેતીવાડી વગેરે કરે. તેમાંથી અમે બધાં મહાસાગરના આઇલેન્ડ જેવા બનવા થોડું ભણી શક્યાં અને જીવનને એક મુકામ સુધી લઈ જઈ શક્યાં.
તેનું શ્રેય ‘બા’ના પરસેવાથી ભીંજાયેલા સાડલાના છેડાઓને જાય છે.એ પરસેવો પાડીને મેલા થયેલાં કપડાઓમાં તે નુર સચવાયેલું હતું.ખૂબ ખડતલ અને મજબૂત શરીર નાનપણમાં જ દૂધ બાજરાનો પૌષ્ટિક આહાર ખાધેલો સ્વીકારેલો અને તેના કારણે શરીર છેક છેલ્લે સુધી અનરવું રહ્યું.
પિતરાઈ ભાઈ ભરતનું યુવા વયે દેવલોક ગમન થતાં માસીબા એ કાળું ઓઢણું ઓઢી લીધું પછી બા એ પણ માસીબાના જીવનનો કાળો રંગ પોતે સ્વીકારી લીધેલો.પછી તેઓએ કદી રંગીન વસ્ત્રો પહેર્યા નહોતા.ઉજળા વાનમાં બા શક્તિસ્વરુપા જ ભાસતી.
કાનમા સોનાની મોટી ત્રોટી પહેરતી બા એ પછી તેને પણ ત્યાગી દીધેલી.એમનું શરીર ખૂબ તંદુરસ્ત કદાચ તેમણે 95 વર્ષમાં કદી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી.છેલ્લે પગ લપસી જતાં હાડકાનું ફ્રેકચર થયું અને પછી હેરફેર બંધ થઈ અને હોસ્પિટલમાં દાખલ કર્યા પરંતુ તબીબોએ સમય અને ઉંમર સામે છરી- કાંટા નીચે મૂકી દીધાં.
અને અમે આખરે સેવા સુશ્રુષામા લાગ્યાં. સમયની સાથે બધું નિશ્ચિત હતું તેથી કદાચ આ આઘાત વજ્ર પ્રહાર ન લાગ્યો. પણ તેમ છતાં મને આજે પણ તેમનો એ ભાવ આંખોમાંથી વરસતી અમીદ્રષ્ટિ સાથે વીંટળાઈ વળીને અનુભવાય છે.
હું નાનો ત્યારે ઘેર ઢોર ઢાંખર, ગાયો, ભેંસો વગેરેનું નાનું મોટું કામ કરતાં કરતાં આખા પરિવારે પરિશ્રમ કરેલો.બચપણ ખૂબ સામાન્ય પરિવારમાંથી પસાર થયું છે તેથી હું ઢોર ચારવા પણ જતો.
ત્યારે બા રોજ સવારે શિરામણ બાંધી આપે.બાજરાનો એક મસ્ત મજાનો ખૂબ મોટો રોટલો આપે.તેમાં ખાડા પાડીને માખણ ભરી દે અને તેના પર મોરસનું પડ ચડાવે.ઘણાં વર્ષો સુધી મેં આવો રોટલો અને દૂધ સાથે ખાધા કર્યો અને તેની મીઠપ મને આજે પણ સેવન સ્ટાર હોટલોની ડીશથી વધુ સ્વાદપ્રિય લાગે છે,
કારણ કે તેમાં માતૃત્વનું મિશ્રણ હતું. સવારમાં વહેલી ઉઠીને બા માલ ઢોરને દોહવા-પાવાનું કામ કરતી હોય.તેમા તેમને ભેંસ દોહતા દોહતા ખભામાંથી હાથ ખડી જતો હતો.પછી ગામમાં એક હાડવૈધ હાથને ફરી ચડાવી આપતા.પછી અડધી કલાકમાં તે સ્વસ્થ થઈ
અને પાછાં કામે લાગતા.ખૂબ મહેનત કરીને એમણે બધાંનો ઉછેર કર્યો અને જ્યારે હું બહાર ગામ ભણવા જતો,ત્યારે પિત્તળના એક ભાતોડિયા ડબ્બામાં સુખડી બનાવીને સાથે લઈ જવા પરાણે ડબ્બો આપે અને ત્યાંનું ભોજન માફક ન આવે તો આ સુખડીના કતપળાએ ભણવામાં પણ ખાસ્સો સધિયારો પૂરો પાડેલો.
ગામ -કુટુંબમાં, ઉંમરમાં અને અનુભવમાં તે ખૂબ જ્યેષ્ઠ હતાં.એટલે સૌ કોઈ તેમને પૂછીને પાણી પીતાં.તેમનું વેણ ભાગ્યે જ કોઈ વાઢે અને તેથી તેમણે ઘણાં બધાં લોકોને પોતાની કોઠાસૂઝથી નાની મોટી મદદ કરવામાં પાછી પાની નહી કરેલી.અનેકના જીવનમાં ધુપસળી બનનાર ‘બા’ને અંજલી આપવા શબ્દોનું ગજું કેટલું?
સેવા,ત્યાગ,સમર્પણની આ મુરત માટે શું કહેવું!? કવિ દલપતરામના કહેવા મુજબ “દુઃખી દેખી દુઃખી કોણ થાતું,મહા હેતવાળી દયાળુ જ માં તું”!
‘ બા’ તમે દુલા ભાયા કાગ અને બોટાદકરના શબ્દવ્યજંનોથી પણ આગળ હતા તેથી સદાકાળ સાથે જ રહેશો.શત શત વંદન!