રાજ્યના બાળકો માટે માઉન્ટ આબુ ખાતે વિનામૂલ્યે પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન
એડવેન્ચર કોર્ષમાં તા.૩૦ સપ્ટેમ્બર જ્યારે એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્ષ-કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્ષમાં અરજી કરવાની છેલ્લી તા. ૫ ઓક્ટોબર-૨૦૨૨
’કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુમાં રાજ્યના બાળકો, યુવકો-યુવતીઓ માટે વિનામૂલ્યે પર્વતારોહણની વિવિધ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે.
એડવેન્ચર કોર્ષમાં જોડાવા માંગતા ૦૮ થી ૧૩ વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકો માટે કોર્ષનો સમયગાળો તા. ૨૯ ઓક્ટોબર થી ૦૪ નવેમ્બર રહેશે. જેની અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર છે. એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્ષમાં જોડાવા માંગતા ૧૫ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે કોર્ષનો સમયગાળો ૨૭ નવેમ્બર થી ૧૧ ડિસેમ્બર રહેશે.
જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૦૫ ઓક્ટોબર છે. તેમજ કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્ષમાં તાલીમ લેવા માંગતા ૧૭ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે કોર્ષનો સમયગાળો તા. ૧ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બરનો રહેશે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૦૫ ઓક્ટોબર છે.
રાજ્યના જે યુવક અને યુવતીઓ આ શિબિરમાં જોડાવા માંગતા હોય તેમણે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર સહિતની વિગતો દર્શાવતી અરજી કરવાની રહેશે. આ અરજી ફોર્મનો ગુજરાતી/અંગ્રેજી નમુનો ફેસબુક પેજ https://www.facebook.com/ 190815712470848/ posts/ 214360320116387/ પરથી મેળવી શકશે.
તથા ફેસબુક ઉપર જઈ SVIM Mountaineering ટાઈપ કરવાથી પણ ફોર્મ મળી શકશે. જેમાં ગુજરાતના વતની હોવાનો આધાર/દાખલો, શારિરીક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, અક્સ્માત/ઇજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધો હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરી નકલ જોડવાની રહેશે.
તાલીમાર્થી જે કોર્ષમાં જોડાવા માંગતા હોય તે કોર્ષનું નામ અરજીની શરૂઆતમાં સ્પષ્ટ રીતે જણાવવાનું રહેશે. અધુરી વિગતવાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવાશે નહીં. જો કે આ પૈકીની કોઈપણ લાયકાત કે શરત યોગ્ય કિસ્સામાં કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર છૂટછાટ આપી શકશે. પસંદગી પામનાર ઉમેદવારોના ભોજન, નિવાસ અને તાલીમની વ્યવસ્થા સરકાર દ્વારા જે તે સ્થળે વિનામુલ્યે કરાશે.
ઉપરાંત તાલીમાર્થીઓને વતનથી તાલીમી સંસ્થાના સ્થળે તથા પરત જવાનું પ્રવાસ ભાડું સામાન્ય એસ.ટી.બસ/રેલ્વે સેકન્ડક્લાસ મુજબ મળવાપાત્ર રહેશે. તાલીમ કોર્ષમાં જોડવા માંગતા ઉમેદવારોએ આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા,
ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પીન: ૩૦૭૫૦૧ના સરનામે સંપૂર્ણ વિગતો સાથે અરજી મોકલવાની રહેશે. અરજી મળવાની છેલ્લી તારીખ સુધીમાં અરજી મોકલી પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સુચનાઓ તાલીમી સંસ્થા દ્વારા જણાવાશે તેમ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં વધુમાં
જણાવાયું છે.