MPમાં ભારે વરસાદથી ૧૨૦૦ ગામ પ્રભાવિત

ગ્વાલિયર: ઉત્તર મધ્ય પ્રદેશમાં પૂરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભારે વરસાદ બાદ ૧,૨૦૦ કરતા વધારે ગામ પૂરથી પ્રભાવિત થયા છે. ભારે વરસાદ બાદ ગ્વાલિયર-ચંબલ ક્ષેત્ર પૂરની લપેટમાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક જરૂરી પગલા ભરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને બીએસએફની મદદથી ૨૪૦ ગામના ૫,૯૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય ૧,૯૫૦ લોકોને બચાવવા માટે પ્રયત્ન ચાલુ છે અને વાયુ સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ક્વારી, સીપ, પાર્વતી નદીઓમાં પૂરના કારણે શ્યોપુરના ૩૦ ગામ પ્રભાવિત છે. અત્યાર સુધીમાં ૧,૦૦૦ લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે જ્વાલાપુર, ભેરાવાડા, મેવાડા, જાટખેડાના ગામોમાં ફસાયેલા ૧,૦૦૦ લોકોને બહાર કાઢવા અભિયાન ચાલી રહ્યું છે.
આ ઉપરાંત તેમણે પોતે સતત કેન્દ્રના સંપર્કમાં હોવાની માહિતી આપી હતી. સાથે જ ગૃહ મંત્રી અને વડાપ્રધાને નદીઓના જળસ્તરમાં વૃદ્ધિના કારણે પૂરની સ્થિતિ અંગે જાણકારી લીધી હોવાનું અને તમામ સંભવિત મદદની ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું.