MP: મુરૈનામાં ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોનાં મોત
મુરૈના: મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાથી એક મોટો સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોનાં મોત થયા છે. બીજી તરફ ડઝનબંધ લોકો બીમાર પડ્યા છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સોપો પડી ગયો છે. સાથોસાથ પોલીસ અને પ્રશાસનના હોથ ઉડી ગયા છે. સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે બીમાર લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યા છે.
મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, મામલો બાગચીની પોલીસ સ્ટેશનની હદના માનપુર ગામ અને સુમાવલી પોલીસ સ્ટેશનની હદના પહવાલી ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે માનપુર ગામમાં ઝેરી દારૂ પીવાથી ૫ લોકોનાં મોત થયા છે.
બીજી તરફ, પહવાલી ગામમાં પણ ૩ લોકોનાં ઝેરી દારૂ પીવાથી મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલમાંથી ૬ લોકોને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી બે વધુ લોકોનાં મોત થયા છે. મુરૈના જિલ્લા હૉસ્પિટલના ડૉક્ટર રાઘવેન્દ્ર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તમામ લોકોનાં મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે.
બીજી તરફ અનેક લોકોની તબિયત ખરાબ છે. સોમવાર સવારે સૌથી પહેલા માનપુરમાં ઝેરી દારૂ પીવાથી એક વ્યક્તિની તબિયત બગડી ગઈ, ત્યારબાદ પરિજનો ગંભીર સ્થિતિમાં તેને ગ્વાલિયર લઈ ગયા, જ્યાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. આ વ્યક્તિનું શબ લઈને જ્યારે પરિજનો ગામમાં પરત પહોંચ્યા તો જાણવા મળ્યું કે ગામમાં દારૂ પીવાના કારણે બીજા લોકોની પણ તબિયત બગડી ગઈ છે.
નોંધનીય છે કે, આ કોઈ પહેલો મામલો નથી જેમાં મધ્ય પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી આટલા લોકોના મોત થયા હોય. ગયા વર્ષે લૉકડાઉનની વચ્ચે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં ગેરકાયદેરસ ઝેરી દારૂ પીવાથી ૮ લોકોનાં મોત થયા હતા. ત્યારે જણાવવામાં આવ્યું હતું કે બે લોકોની હાલત ગંભીર થઈ હતી. પોલીસ અધીક્ષક ગૌરવ તિવારીએ જણાવ્યું હતું કે આ લોકોએ દારૂ પીધા બાદ તબિયત ખરાબ થવા લાગી તેથી તેમને રતલામ જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.