મધ્યપ્રદેશથી અમદાવાદ નકલી નોટો લઈને વટાવવા આવેલા 6 ઝડપાયા
અમદાવાદમાં બોગસ ચલણી નોટો સાથે ૬ શખ્સો ઝડપાયા-કલર પ્રિન્ટરમાં રૂપિયા ૫૦૦ના દરની ચલણી નોટો છાપીને વટાવવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યા હતા
અમદાવાદ, કલર પ્રિન્ટરમાં રૂપિયા ૫૦૦ના દરની ચલણી નોટો છાપીને વટાવવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવેલ ૬ આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે ૨૪૭ નકલી નોટો કબ્જે કરી છે. દિલ્હીમાં રૂપિયા ૧૦૦ના દરની નોટો વટાવવામાં સફળ થતાં આરોપીઓએ રૂપિયા ૫૦૦ ની નોટો છાપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોલા પોલીસે ચાણક્યપૂરી શાકમાર્કેટમાંથી રૂપિયા ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે ૬ આરોપીઓની ધરપકડ કરી છે, આ તમામ આરોપીઓ મધ્યપ્રદેશના ભિન્ડ જિલ્લાના વાતની છે. પોલીસે ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવ, દીપક ઉર્ફે બાદશાહ, વિકાસ જાટવ, ઉમેશ જાટવ, ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવ ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
આરોપીઓ રૂપિયા ૫૦૦ની નોટને સ્કેન કર્યા બાદ કલર પ્રિન્ટમાં પ્રિન્ટ કરતા હતા. બાદમાં તેના પર ગ્રીન પટ્ટી પણ લગાવી દેતાં હતા. મધ્યપ્રદેશથી તેઓ માત્ર નોટો વટાવવા માટે અહી આવ્યા હતા. અહી અમદાવાદ સિટીમાં રાત્રીના સમયે ભીડભાડ વાળા વિસ્તારમાં નોટો વટાવવાનું નક્કી કર્યું હતું. જો કે પોલીસને બાતમી મળતા પોલીસે તેઓને ઝડપી લીધા છે.
આ સમગ્ર નેટવર્કનો માસ્ટર માઈન્ડ ઉત્તરપ્રદેશનો યોગેશ છે, જે હાલમાં આ કેસમાં વોન્ટેડ જાહેર કરાયો છે. દિપકે ઉમેશ ઉર્ફે અનુરાગને તેના સાળા અભિષેકના સાઢુ યોગેશ સાથે મુલાકાત કરાવી હતી. ઉમેશ ઉર્ફે અનુરાગ, વિકાસ અને અન્ય એક આરોપી સાથે મળીને યોગેશના સાથ સહકારથી અગાઉ રૂપિયા ૧૦૦ દરની ચલણી નોટો છાપી હતી ત્યારબાદ ૨૫ જેટલી નોટો વિકાસ અને ઉમેશે દિલ્હી ખાતે જઈને વટાવી હતી જ્યારે બાકીની ૩૫ નોટો વિકાસ દિપક ઉમેશ ઉર્ફ અનુરાગ અને ઉમેશ રાજકુમારે તેમના જ વતનમાં વટાવી દીધી હતી.
રૂપિયા ૧૦૦ની બનાવટી નોટો વટાવવામાં તેઓ સફળ થતાં બાદમાં તેમણે રૂપિયા ૫૦૦ની નોટને છાપવા માટેનો પ્લાન કર્યો હતો. ઉમેશ ઉર્ફે અનુરાગ અને વિકાસ બંનેએ મળીને વિકાસના કાકા જયવીર પાસેથી કલર ઝેરોક્ષ કાઢવાની હોવાનું કહીને કલર પ્રિન્ટર લઈ આવ્યા હતા, જેમાંથી રૂપિયા ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરીને કટીંગ કરી તેમાં ગ્રીન પટ્ટી લગાવી હતી.
આરોપીઓ શાકમાર્કેટ જેવા ભીડવાળા વિસ્તારોમાં એક-એક ચલણી નોટો વટાવવાની ફિરાકમાં હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં આ સિવાય અન્ય કોઈ જગ્યાએ બનાવટી ચલણી નોટો વટાવી છે કે કેમ અને કેટલા પ્રમાણમાં નોટો પ્રિન્ટ કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપીઓ અમદાવાદના કોઈના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.