MS ધોની ક્રિકેટ એકેડમીનું અમદાવાદમાં સુરેશ રૈનાએ ઉદ્ધાટન કર્યુ
અમદાવાદ: ક્રિકેટ જગતમાં કારકિર્દી બનાવવા માગતા ૭ વર્ષથી ૧૯ વર્ષ સુધીના યુવાનો માટે એમ એસ ધોની ક્રિકેટ એકેડમી તરફથી તાલીમ પ્રદાન કરવામાં આવશે. ઇચ્છુક યુવાનો આ એકેડમીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેના માટે ૬૫૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફિસ તરીકે ભરવાના રહેશે.
જેમાં ક્રિકેટ કીટ, ડ્રેસ સહિતની સામગ્રીઓ આપવામાં આવશે. ત્યારબાદ આ એકેડમીમાં ટ્રેનિંગ માટે ૩ મહિના પેટે ૧૦,૦૦૦ રૂપિયા, ૬ મહિના માટે ૨૦,૦૦૦ રૂપિયા જ્યારે ૧ વર્ષ માટે ૩૬,૦૦૦ રૂપિયા ફી પેટે ભરવાના રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રહેલા સુરેશ રૈના અમદાવાદના મહેમાન બન્યા છે. ક્રિકેટર સુરેશ રૈનાએ અમદાવાદમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે. અદ્યતન ટેક્નોલોજી, ઉચ્ચ સ્તરીય કોચિંગ સુવિધા અને સર્ટિફાઇડ કોચથી સજ્જ ક્રિકેટ એકેડમીની શરૂઆત કરાવી છે.
ગુજરાત યુનીવર્સીટી મેદાનમાં શરુ થયેલી એમએસ ધોની ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આર્કા સ્પોર્ટ્સના સ્થાપક મીહિર દિવાકર અને શ્રી એન્ટરપ્રાઇઝના શ્રીધર રેડ્ડી ઉપસ્થિત રહ્યાં હતા.
એમએસડીસીએનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને વિદેશમાં ક્રિકેટના વિકાસ માટે ઉચ્ચ સ્તરીય કોચિંગ પ્રદાન કરવાનો પ્રયત્ન છે. ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું હતું કે, ક્રિકેટમાં રૂચિ ધરાવતા દરેક યુવાનને માળખાકીય તાલીમ પ્રદાન કરવાનો પ્રયાસ ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર છે. કોઇપણ યુવાનમાં પ્રતિભા જન્મથી નહીં, પરંતુ પ્રેક્ટિસ કરવાથી આવે છે ત્યારે એમએસ ધોની ક્રિકેટ એકેડમી સાથે બાળકો પાસે તેમની પ્રતિભામાં વધારો કરવાની ઉત્તમ તક છે.