MS યુનિ.માં એડમિશન મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ
(એજન્સી)વડોદરા,
એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મુદ્દે આજે વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી, કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓ કાળા પોશાકમાં સજ્જ થઇને આવ્યા હતા અને આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
વિદ્યાર્થી સંગઠનોએ ૪૮ કલાકનું અલ્ટીમેટ આપ્યું છે અને ૪૮ કલાકમાં વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.પૂર્વ વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરા શહેર અને જિલ્લાના બાળકોને સારું અને સસ્તુ શિક્ષણ મળી રહે તે માટે ભેટ આપેલી છે.
આ કોઇ વાઇસ ચાન્સેલરના બાપની જાગીર નથી. અમે જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં જીએસ અને વીપી હતા ત્યારે પણ એડમિશનનો ઇશ્યું આવ્યો હતો અને ત્યારે પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું હતું અને ના માન્યા તો ભગતસિંહનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ૩૫ ટકા હોય તો તેને પણ એડમિશન મળે તે પ્રકારનું આયોજન થયું હતું.
વડોદરાનો કોઇપણ વિદ્યાર્થી એડમિશનથી વંચિત રહેવો ન જોઇએ અને માંગ પુરી નહીં થાય તો ભાજપના તમામ આગેવાનો પણ રોડ પર આવશે અને વડોદરાના વિદ્યાર્થીઓને ન્યાય અપાવશે. પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાના શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને ઘરબેઠા ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી. પણ કોમન એક્ટના કારણે બેઠકો ઘટાડી દેવામાં આવતા વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે.