MSME ઉદ્યોગકારોને મંજૂરીઓ વધુ ઝડપે મળે તે હેતુથી ‘ફેસિલિટેશન ડેસ્ક’ શરૂ કરાશે

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાત એમ.એસ.એમ.ઇ. ફેસિલિટેશન ઓફ એસ્ટાબ્લીસમેન્ટ એન્ડ ઓપરેશન્સ એકટ-૨૦૧૯ની સ્કીમ હેઠળ નોંધાયેલા એમ.એસ.એમ.ઇ. પ્રોજેકટસને ત્રણ વર્ષ સુધી જરૂરી મંજૂરીઓ મેળવી લેવાનો સમય મળતો હોય છે.
આ પ્રોજેકટ હેઠળ નોંધાયેલા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તથા રાજય સરકારના અન્ય વિભાગોની મંજુરીઓ ઝડપથી મળી રહે તે હેતુથી કમિશનર-એમ.એસ.એમ.ઇ. કચેરી ખાતે તેમજ ઝોનલ કચેરીઓ ખાતે ‘ફેસિલિટેશન ડેસ્ક’ દ્વારા ઉદ્યોગકારોના પ્રશ્નો મેળવી સત્વરે મંજૂરી મળી રહે તે માટે વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવશે.
મંત્રી શ્રી એ વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના (MBKEY) મારફતે રાજ્યના ૫૦,૦૦૦ યુવાનોને આગામી ત્રણ વર્ષમાં ન્યુ એજ સ્કીમ એટલે કે, ભવિષ્યમાં નવી ટેકનોલોજીના જે કૌશલ્યની જરૂરિયાત ઊભી થવાની છે,
તેને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન તાલીમ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેઇન ટેકનોલોજી જેવા કૌશલ્યોમાં સુસજ્જિત કરવા માટે આઈ.ટી.આઈ., કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી તેમજ ખાનગી તાલીમ સંસ્થાઓના સહયોગથી આવી રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવશે.