MSP, કરાર પદ્ધતિની ખેતી અંગે ચિંતા દૂર કરી ખોટાં પ્રચાર સામે ચેતવણી આપી

પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશમાં આયોજિત ખેડૂત સંમેનલમાં સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર મધ્યપ્રદેશમાં આયોજિત કિસાન સંમેલનમાં સંબોધન કર્યું હતું. તેમણે કોલ્ડ સ્ટોરેજ માળખા અને અન્ય સુવિધાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ખેડૂતો ગમે એટલી મહેનત કરે, પણ જો ફળફળાદિ, શાકભાજી, અનાજ-કઠોળનો સંગ્રહ કરવા માટે ઉચિત વ્યવસ્થા નહીં હોય, તો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. તેમણે વ્યાવસાયિક જગતને અદ્યતન સંગ્રહ સુવિધાઓ વિકસાવવામાં, કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવામાં અને નવા ફૂડ પ્રોસેસિંગ સાહસોની સ્થાપનામાં યોગદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એનાથી ખેડૂતોને મોટો લાભ થશે અને ખરાં અર્થમાં દેશની સેવા થશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય ખેડૂતોને વિકસિત દેશોમાં ખેડૂતોને ઉપલબ્ધ અદ્યતન સુવિધાઓ મેળવવી પડશે. એમાં વિલંબ કરવાનું નહીં પોસાય. તેમણે ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી સ્થિતિસંજોગો બદલાઈ રહ્યાં છે. ભારતીય ખેડૂતો સુવિધાઓ અને અદ્યતન પદ્ધતિઓના અભાવથી નિઃસહાયતા અનુભવે એ સ્વીકાર્ય ન હોઈ શકે. અગાઉથી જ આપણે કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવામાં મોડા પડ્યાં છીએ.
કૃષિ કાયદા પર તાજેતરમાં થયેલી ચર્ચાનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રી ભારપૂર્વક જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલા સુધારા માટે છેલ્લાં 20થી 22 વર્ષથી ચર્ચાવિચારણા ચાલી રહી છે અને આ કાયદાઓ રાતોરાત બનાવવામાં આવ્યાં નથી. તેમણે કહ્યું હતું કે, દેશના ખેડૂતો, ખેડૂત સંગઠનો, કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો, કૃષિ ક્ષેત્રના અર્થશાસ્ત્રીઓ, કૃષિ ક્ષેત્રમાં કાર્યરત વૈજ્ઞાનિકો, આપણા દેશના પ્રગતિશીલ ખેડૂતો પણ સતત કૃષિ ક્ષેત્રમાં સુધારાની માંગણી કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષોએ પક્ષના ઢંઢેરામાં આ સુધારાઓનો અમલ કરવાનું વચન આપ્યું હોવા છતાં એનો અમલ કર્યો નહોતો. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં થયેલા આ સુધારા અગાઉ થયેલી ચર્ચાથી અલગ નથી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ 8 વર્ષ સુધી સ્વામિનાથન સમિતિના અહેવાલનો અમલ કર્યો નહોતો. ખેડૂતોના આંદોલનથી પણ આ લોકોનો કશો ફરક પડ્યો નહોતો. તેમણે જણાવ્યું હતું કે, આ લોકોએ સુનિશ્ચિત કર્યું હતું કે, તેમની સરકાર ખેડૂત પર વધારે ખર્ચ ન કરે. તેમણે વિપક્ષની ટીકા કરતાં જણાવ્યું હતું કે, તેઓ ખેડૂતોના નામે રાજકારણ રમી રહ્યાં છે, જ્યારે હાલ એમની સરકાર ખેડૂતોના કલ્યાણ પ્રતિબદ્ધ છે અને ખેડૂતોને અન્નદાતા ગણે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ સરકારે જ સ્વામિનાથન સમિતિના અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોનો અમલ કર્યો છે, ખેડૂતોને ખર્ચથી દોઢ ગણી એમએસપી આપી છે.
પ્રધાનમંત્રીએ ઋણ માફીની યોજના પર કહ્યું હતું કે, આ યોજનાનો લાભ એ ખેડૂતોને મળ્યો નથી, જેઓ બેંકમાં ગયા જ નહોતા, જેમણે બેંકમાંથી લોન લીધી જ નહોતી. તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આશરે 75 હજાર કરોડ રૂપિયા મળે છે, જે ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધા જમા થાય છે. કોઈ ભ્રષ્ટાચાર થતો નથી, વચેટિયાઓને કોઈ સ્થાન નથી. તેમણે એવું પણ સમજાવ્યું હતું કે, નીમ કોટિંગ અને ભ્રષ્ટાચારને અંકુશમાં લેવાના કારણે યુરિયાની ઉપલબ્ધતામાં કેવી રીતે સુધારો થયો છે.
પ્રધાનમંત્રીએ ટીકા કરતાં જણાવ્યું હતું કે, જો અગાઉની સરકારોને ખેડૂતોની ચિંતા હતી, તો પછી દેશમાં સિંચાઈના આશરે 100 મોટા સિંચાઈ પ્રોજેક્ટ પૂરાં કરવામાં દાયકાઓનો વિલંબ ન કર્યો હતો. હવે અમારી સરકારે યુદ્ધના ધોરણે આ સિંચાઈ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દરેક ખેતરમાં પાણી પહોંચાડવા કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર અનાજનું ઉત્પાદન કરતાં ખેડૂતોની સાથે સાથે મધમાખી ઉછેર, પશુ સંવર્ધન અને મત્સ્યપાલનમાં સંકળાયેલા લોકોને પણ સમાન પ્રોત્સાહન આપે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવા માટે બ્લૂ રિવોલ્યુશન સ્કીમ (નીલી ક્રાંતિ યોજના)નો અમલ થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ પ્રધાનમંત્રી મત્સ્ય સમ્પદા યોજના શરૂ કરવામાં આવી હતી. આ પ્રયાસોને કારણે દેશમાં મત્સ્ય ઉત્પાદનના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે કૃષિ ક્ષેત્રમાં તાજેતરમાં કરેલા સુધારામાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી અને જૂઠું બોલવાને કોઈ સ્થાન નથી. તેમણે લોકોને આ મુદ્દે વિચારવા જણાવ્યું હતું કે, જો સરકાર એમએસપીની વ્યવસ્થા દૂર કરવાનો ઇરાદો ધરાવતી હોય, તો શા માટે સ્વામિનાથન સમિતિના અહેવાલોની ભલામણોનો અમલ કરે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતો વાવેતર કરે એ અગાઉ એમની ચિંતા દૂર કરવા એમએસપીની જાહેરાત થાય છે. તેમણે ખેડૂતોને ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, કોરોના રોગચાળા સામેની લડત દરમિયાન પણ એમએસપીના ભાવે ખરીદી અગાઉની જેમ જળવાઈ રહી હતી. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે, એમએસપી પર ખરીદી અગાઉની જેમ જળવાઈ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે એમએસપીમાં વધારો કરવાની સાથે એમએસપી પર મોટા પાયે ખરીદી પણ કરી છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશમાં અનાજની તંગી હતી એ સમયગાળાને યાદ કર્યો હતો. એ સમયે સામાન્ય રીતે દેશમાં અનાજની ખેંચ દૂર કરવા વિદેશમાંથી અનાજની આયાત કરવામાં આવતી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની સરકારે વર્ષ 2014માં નીતિમાં પરિવર્તન કર્યું હતું અને એમએસપી પર 112 લાખ મેટ્રિક ટન અનાજ-કઠોળની ખરીદી કરી હતી, જ્યારે વર્ષ 2014 અગાઉના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ફક્ત 1.5 લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ હતી. અત્યારે અનાજ-કઠોળના ખેડૂતોને વધારે પૈસા મળે છે, અનાજ-કઠોળના ભાવમાં પણ ઘટાડો થયો છે અને એનો સીધો લાભ ગરીબોને થયો છે.
પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નવો કાયદો ખેડૂતોને મંડીમાં કે એની બહાર ખેડૂતોને તેમની ઉપજ વેચવાની છૂટ આપે છે. ખેડૂતો એમની ઉપજનું વેચાણ વધારે નફો મળે ત્યાં કરી શકે છે. નવા કાયદાના અમલ પછી એક પણ બજાર બંધ નહીં થાય. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે એપીએમસીનું આધુનિકીકરણ કરવા રૂ. 500 કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે.
પ્રધાનમંત્રીએ કરાર પદ્ધતિની ખેતીના મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, આપણા દેશમાં વર્ષોથી કરાર પદ્ધતિથી ખેતી કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, કરાર પદ્ધતિમાં ખેડૂત જેની સાથે કરાર કરે છે એને પાક કે ઉપજ જ આપે છે, નહીં કે જમીન. જમીન પર માલિકી તો ખેડૂતોની જ રહે છે. આ પ્રકારની સમજૂતીમાં જમીનની માલિકીનો કોઈ સંબંધ નથી. વળી આ પ્રકારની સમજૂતીમાં કુદરતી આફતના સંજોગોમાં ખેડૂતોને સંપૂર્ણ નાણાં મળે છે. નવો કાયદામાં ખેડૂતોને નફામાં મોટો હિસ્સો મળે એની સુનિશ્ચિતતા કરવામાં આવી છે.
આ ઉપરાંત તેમણે સરકારના આ પ્રયાસો છતાં કૃષિ કાયદાને લઈને આશંકા ધરાવતા ખેડૂતો માટે સમાધાન કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર દરેક મુદ્દે પર વાત કરવા તૈયાર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ 25 ડિસેમ્બરના રોજ પૂજ્ય અટલજીની જન્મજયંતિ પર આ વિષય પર ફરી વિગતવાર વાત કરશે. સાથે-સાથે એ દિવસે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો વધુ એક હપ્તો કરોડો ખેડૂતોના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવશે.