ગર્લ્સ હોસ્ટેલનાં ભોજનમાં ઈયળ નીકળી, છાત્રાઓનો હોબાળો

વડોદરા, એમએસ યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ નીકળતાં હોબાળો મચ્યો હતો. મેસના ભોજનને પગલે વિદ્યાર્થિનીઓએ ફૂડ પોઈઝિંગની ફરિયાદ પણ કરી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કરીને જાણકારી આપવામાં આવી હતી. ૪ મેસ માટે એક જ હોલમાં જમવાનું તૈયાર કરાય છે. યુનિ.માં ૪ ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે.
જે તમામ હોલનો કોન્ટ્રાક્ટ એક જ વ્યક્તિને અપાયેલો છે. એસડી હોલમાં ચારેય મેસ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે અને પછી તમામ હોલમાં મોકલવામાં આવે છે. જો કે, મેસમાં બની રહેલા ભોજનની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે.
કે.જી.હોલમાં પીરસવામાં આવેલા ફ્રૂડ કસ્ટર્ડમાં જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તેના ફોટા ઓફિશિયલ સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરીને અન્ય વિદ્યાર્થિનીઓને ચેતવ્યા હતા
જેમાં વિદ્યાર્થિનીએ મેસનું ભોજન ખાતા પહેલાં જોઈને ખાજો તેવી ચેતવણી આપી હતી. અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મેસના ભોજનને કારણે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું.