અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનો રદ થતાં મુસાફરો અટવાયા
હાઈવે બંધ કરાતા રસ્તા ઉપર જ લોકો રઝળી પડ્યાઃ
અમદાવાદ, ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન પર ભારે વરસાદના કારણે બાજના સ્ટેશન પર પાણી ભરાઈ જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે.
અત્યાર સુધીમાં ૫૬ ટ્રેન રદ કરવામાં આવી છે અને ૪૩ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી રહી છે. તેને લઈને સુરત રેલવે સ્ટેશન પર લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાથે-સાથે હાઈવે પણ બંધ કરાતા સંખ્યાબંધ પ્રવાસીઓ વાહનો સાથે રસ્તા ઉપર જ રઝળી પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર અસ્તવ્યસ્ત થતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. તો, કેટલીક ટ્રેનો ૧૦થી ૧૨ કલાક મોડી ચાલી રહી છે. સુરત રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં યાત્રીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ટ્રેન રદ થવાની કે, મોડી પડવાની જાણકારી તેમને પહોંચી નથી એવી ફરિયાદ તેઓ કરી રહ્યા છે. કેટલાય યાત્રીઓ રેલ્વે પ્લેટફોર્મ પર ૧૦ કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે પણ ટ્રેન ન મળતા તેમને હાલાકી થઈ રહી છે.
રેલ્વે સ્ટેશન પર યાત્રીઓને કોઈ પણ પ્રકારની જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં ન આવી હોવાની ફરિયાદ યાત્રિકો દ્વારા સતત કરવામાં આવી રહી છે. સુરત રેલ્વે સ્ટેશન પર મુંબઈ અને ભાવનગરથી આવેલા યાત્રીઓ ટ્રેન મોડી થતા ફસાયા છે. તેમની ટ્રેન સ્ટેશનથી ઘણી દૂર છે એવા જ જવાબ તેમને મળી રહ્યા છે. જેને કારણે યાત્રીઓ અન્ય ટ્રેનની પણ વ્યવસ્થા કરી શક્યા ન હતા.
રેલવે સ્ટેશનો ઉપર સંખ્યાબંધ પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. આ ઉપરાંત હાઈવે પણ બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી અને સંખ્યાબંધ લોકો રસ્તા ઉપર જ રઝળી પડ્યા હતા. જામનગર, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરો નજીકના હાઈવે ઉપર આ પરિસ્થિતિ જોવા મળી હતી.