Western Times News

Gujarati News

મુંબઈ ઈન્ડિયન્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને હાર આપી

કોલકત્તા નાઇટ રાઇડર્સે ૧૮૫ રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ ૧૭.૪ ઓવરમાં ૧૮૬ રન બનાવ્યા

મુંબઈ,  મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-૨૦૨૩ની ૨૨મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને ૫ વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવી છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તા નાઇટ રાઇડર્સે વેંકટેશ અય્યરની શાનદાર સદીની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ ૧૭.૪ ઓવરમાં ૫ વિકેટે ૧૮૬ રન બનાવી જીત મેળવી લીધી હતી. આ જીત સાથે મુંબઈના ચાર પોઈન્ટ થઈ ગયા છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી વેંકટેશ અય્યરે દમદાર બેટિંગ કરી હતી. શાનદાર ફોર્મમાં રહેલા અય્યરે પોતાના આઈપીએલ કરિયરમાં પ્રથમ સદી ફટકારી હતી. વેંકટેશ ૫૧ બોલમાં છ ચોગ્ગા અને ૯ સિક્સ સાથે ૧૦૪ રન બનાવી આઉટ થયો હતો. અય્યર સિવાય કોલકત્તાના અન્ય બેટર મોટી ઈનિંગ રમવામાં ફેલ રહ્યાં હતા.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખરાબ રહી હતી. એન જગાડીશન ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ઓપનર ગુરબાઝ પણ માત્ર ૮ રન બનાવી ચાવલાનો શિકાર બન્યો હતો.
કેપ્ટન નીતિશ રાણાએ ૫, શાર્દુલ ઠાકુરે ૧૩ અને રિંકુ સિંહે ૧૮ રનનું યોગદાન આપ્યું હતું. આંદ્રે રસેલ ૧૧ બોલમાં ૨૧ રન બનાવી અણનમ રહ્યો હતો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને ઈશાન કિશને આક્રમક શરૂઆત અપાવી હતી. ઈશાન અને રોહિતની આક્રમક બેટિંગની મદદથી મુંબઈએ પાવરપ્લેમાં ૭૨ રન ફટકારી દીધા હતા. રોહિત શર્મા ૨૦ રન બનાવી આઉટ થયો હતો. ઈશાન કિશને ૨૫ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૫૮ રન બનાવી આઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવે ફોર્મમાં વાપસીનો સંકેત આપતા ૨૫ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. સૂર્યાએ પોતાની ઈનિંગમાં ૪ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા ૨૫ બોલમાં ૩૦ રન બનાવી આઉટ થયો હતો. ટીમ ડેવિડે ૧૨ બોલમાં અણનમ ૨૪ રન ફટકારી મુંબઈને જીત અપાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.