દિલ્હીને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સનો પ્લે ઓફમાં પ્રવેશ

મુંબઈ, પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે બુધવારે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને અત્યંત મહત્વની મેચમાં દિલ્હી કેપિટલ્સને ૫૯ રનથી હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૦૨૫ની સિઝનમાં પ્લે ઓફ માટે ક્વોલિફાઈ કરી લીધું હતું. આ સાથે સિઝનમાં ઉમદા દેખાવ કરનારી દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે તેની ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૦ રન કર્યા હતા જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ ૧૮.૨ ઓવરમાં ૧૨૧ રન કરી શક્યું હતું. ૧૮૧ રનના ટારગેટ સામે રમતાં દિલ્હી કેપિટલ્સે શરૂઆતમાં જ કે એલ રાહુલ (૧૧), ફાફ ડુ પ્લેસિસ (૦૬) અને અભિષેક પોરેલ (૦૬)ની વિકેટ ગુમાવી દીધી હતી.
સમીર રિઝવી અને આશુતોષ શર્માએ મળીને પાંચ વિકેટે ૬૫ રનના સ્કોરથી ટીમને ૧૦૩ સુધી પહોંચાડી ત્યાં સુધી દિલ્હી લડાયક સ્થિતિમાં હતું પરંતુ આ તબક્કે મિચેલ સેન્ટનર એક ઓવરમાં બે વાર ત્રાટક્યો હતો.
તેણે સમીર રિઝવીને અને આશુતોષ શર્માને ત્રણ બોલના અંતરમાં આઉટ કરી દીધા હતા. સમીર રિઝવીએ ૩૫ બોલમાં ૩૯ અને આશુતોષે ૧૬ બોલમાં ૧૮ રન ફટકાર્યા હતા. સેન્ટરે તેની ચાર ઓવરમાં ૧૧ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહે ૧૨ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.SS1MS