કુર્લામાં ચાર માળની ઈમારત પડી: 1નું મોત
મુંબઈ, કુર્લામાં એક ચાર માળની જર્જરીત ઈમારત ધસી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જયારે 12 લોકોને જીવતા બચાવાયા છે. પાંચથી છ જેટલા લોકો કાટમાળમાં દબાયા છે, જેમને બચાવવા રેસ્કયુ ઓપરેશન ચાલુ છે. ચીફ ફાયર બ્રિગેડ ઓફીસર સંજય માંજરેકરે જણાવ્યું હતું કે અમને લાગે છે કે બચાવ કામગીરી એક દિવસ ચાલશે.
તેમણે કહ્યું હતું કે બિલ્ડીંગના કાટમાળમાં 25થી30 લોકો ફસાયેલા હોવા જોઈએ.ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
દુર્ઘટનાની જાણ થતા મહારાષ્ટ્રના મંત્રી આદીત્ય ઠાકરે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બિલ્ડીંગ ખાલી કરવાની નોટીસ અપાઈ હતી તેમ છતાં લોકોએ ખાલી નહોતું કર્યું અને જર્જરીત બિલ્ડીંગમાં રહેતા હતા.
તેમણે જણાવ્યું હતું કે બધાને બચાવવા અમારી પ્રાથમીકતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જયારે પણ બીએમસી નોટીસ આપે તો બિલ્ડીંગ ખાલી કરી દેવું જોઈએ.બીએમસીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી બચાવાયેલા 7 જેટલા લોકોની હાલત સ્થિર છે. કુર્લામાં આ જર્જરીત ઈમારત ગઈકાલે રાત્રે 12 વાગ્યે ધરાશાયી થઈ હતી.