મુંબઈનો મરીન ડ્રાઈવ દરિયામાં ડૂબશે: સંશોધનમાં દાવો
ભાવનગર અને ઓખા માટે પણ જાેખમ
(એજન્સી)મુંબઇ, અનેક હિન્દી અને પ્રાદેશિક ફિલ્મમાં મુંબઈના મરીન ડ્રાઈવનો નજારો તમે જાેયો જ હશે. જાે કે આ નજારો હવે બહુ સમય સુધી નહી રહે તેવા અહેલાલ એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આગામી થોડાક જ વર્ષોમાં મુંબઈની શાન સમાન મરીન ડ્રાઈવ અને તેની સાથે આવેલ નરીમાન પોઈન્ટ વિસ્તારમાં દરિયાના પાણી ધસી આવશે.
આરએમએસઆઈના (RMSI) એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈના દરિયાકાંઠે આવેલ અનેક વિસ્તારો પૈકી મરીન ડ્રાઈવ અને નરીમાન પોઈન્ટ વિસ્તારની અનેક ઈમારતો પાણીમાં ગરકાવ થઈ જશે. મુંબઈના દરિયાકાંઠા વિસ્તારમાં બનાવેલા રોડમાંથી અનેક રોડ ઉપર દરિયાના પાણી લહેરાશે. તો દરિયાકાંઠે બાંધેલ ગગનચુંબી ઈમારતો સુધી હાઈટાઈડ દરમિયાન દરિયાના પાણી પહોચી જશે.
આરએમએસઆઈના સંશોધન રિપોર્ટ અનુસાર, હાજી અલી દરગાહ, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બાંદ્રા વર્લી સી લિંક, મરીન ડ્રાઈવ જેવા વિસ્તારો દરિયાના પાણીમાં ડૂબી જવાનો ઉલ્લેખ કરાયો છે. આઈપીસીસીના છઠ્ઠા ક્લાઈમેટ એસેસમેન્ટ રિપોર્ટના આધારે આરએમએસઆઈએ દ્વારા આ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
દરિયાના પાણીમાં ડૂબવાની સ્થિતિ માત્ર મુંબઈ શહેર પૂરતી જ નહીં હોય. દેશના અન્ય શહેરો કે જે દરિયાકાંઠે આવેલા છે તે કોચી, મેંગલુરુ, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ જેવા શહેરોના અનેક વિસ્તારો દરિયાના પાણીમાં ગરકાવ થવાની ધારણા છે.
એક અહેવાલ અનુસાર, ૧૮૭૪ થી ૨૦૦૪ ની વચ્ચે ઉત્તરીય હિંદ મહાસાગરમાં પાણીનું સ્તર દર વર્ષે ૧.૦૬ થી ૧.૭૫ મી.મી. ના સ્તરે વધી રહ્યું છે. ૧૯૯૩થી ૨૦૧૭ના સમયગાળાની વાત કરીએ તો તેમાં ૩.૩ મી.મી.ના સ્તરે વધારો થઈ રહ્યો છે. ૧૮૭૪ અને ૨૦૦૫ ની વચ્ચે હિંદ મહાસાગર લગભગ એક ફૂટ જેટલો વધ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાની સપાટીમાં વધારો થવાનું સૌથી મહત્વનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. આ કારણોસર, જાે તમે તેના પર નજર નાખો, તો તમને ખબર પડશે કે છેલ્લા ચાર વર્ષમાં દેશના પશ્ચિમ કિનારે વાવાઝોડા ફુંકાવાની સંખ્યામાં ૫૨ ટકાનો વધારો થયો છે.
નિષ્ણાતો માને છે કે ૨૦૫૦ સુધીમાં તાપમાનમાં ૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ કારણે વાવાઝોડાની માત્રા પણ ત્રણ ગણી વધશે. આવી સ્થિતિમાં ભારતના ૧૨ શહેરોમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી જશે. એક અંદાજ મુજબ ગુજરાતના ભાવનગરમાં ૨.૬૦ ફૂટ, ઓખામાં ૧.૯૬ ફૂટનો વધારો થવાની ગણતરી છે.
તો કોચીમાં ૨.૩૨ ફૂટ, માર્માગાવમાં ૨.૦૬ ફૂટ, પારાદીપમાં ૧.૯૩ ફૂટ, મુંબઈમાં ૧.૯૦ ફૂટ, તુતીકોરિનમાં ૧.૯૩ ફૂટ, ચેન્નાઈમાં ૧.૮૭ ફૂટનો વધારો થશે. વિશાખાપટ્ટનમમાં ૧.૭૭ ફૂટ અને મેંગલુરુમાં ૧.૮૭ ફૂટ દરિયો ઉચો આવશે. ૨૦૫૦થી આ બધું થવામાં ભલે મોડું થઈ ગયું હોય, પણ વર્ષ ૨૧૦૦ સુધીમાં તે ચોક્કસ થઈ જશે. તેમ આ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.