મુંબઈના મેયરે ભારે વરસાદમાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી
મુંબઈ, દેશની આર્થિક રાજધાની ગણાતી મહાનગરી મુંબઈમાં સોમવારે રાતથી ભારે વરસાદ પડતાં મુંબઈના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈના પોશ વિસ્તાર ગણાતાં શાંતાક્રુઝ, એસ.વી. રોડ, પર પણ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની મહામારી બાદ લોકડાઉનમાં થોડી છૂટછાટો મળતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ભારે વરસાદને કારણે લોકો ઘરની બહાર જ નિકળી શક્યા ન હતા.
આવા સમયે મુંબઈના મેયર કિશોરી પેડનેકર જાતે જ અધિકારીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાણીમાં જાતે ચાલીને હિંદમાતા દાદર વિસ્તારની મુલાકાત લઈને કેટલાં પાણી ભરાયા છે તેની સ્થળ તપાસ કરી હતી.
અગાઉ પણ મુંબઈના મેયર કિશોરી પેડનેકર કે જે ભૂતકાળમાં નર્સ હતાં, તેમણે ફરીથી પોતાનો નર્સનો યુનિફોર્મ પહેરીને હોસ્પિટલમાં નર્સની ડ્યુટી શરૂ કરી દીધી હતી. બે દિવસ અગાઉ જ શનિવારે તેમના મોટા ભાઈ સુશિલ કદમનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. તેમની ઉંમર 59 વર્ષ હતી અને નાયર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે અને ભારત પણ તેમાંથી બાકાત રહી શક્યું નથી. ખાસ કરીને મહારાષ્ટ્ર સૌથી વધુ પોઝિટિવ કેસ સાથે દેશમાં મોખરે રહ્યું છે અને તેમાં પણ મુંબઈમાં સૌથી વધુ સંક્રમણના કેસ નોંધાઈ રહ્યાં છે.
https://westerntimesnews.in/news/48885