મુંબઈમાં ઓરેન્જ એલર્ટ: હાઈટાઈડની ચેતવણીઃ 36 કલાકમાં 10 ઇંચ વરસાદ
જોગેશ્વરી, માટુંગા, માહીમ, મલાડ સહિતના પરા વિસ્તારો જળબંબાકાર : તમામ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ
મુંબઇ, મુંબઈમાં ચોમાસાના આગમનના પખવાડીયા બાદ હવે વરસાદી જમાવટ શરુ થઇ હોય તેમ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે અને છેલ્લા 36 કલાકમાં 10 ઇંચથી વધુ પાણી વરસતા જનજીવનને વ્યાપક અસર થઇ છે. અનેક પરા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત રેલવે તથા વિમાની સેવાઓને પણ અસર થઇ છે.
મુંબઈ હવામાન કચેરીનાં સુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 36 કલાકમાં મહાનગરમાં 10 ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોલાબા ક્ષેત્રમાં 9 ઇંચ તથા શાંતાક્રૂઝ વિસ્તારમાં 7 ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે પરા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે અને ઠેકઠેકાણે ગોઠણડૂબ પાણી ભરાતા વાહન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો છે.
Waterfall at railway station 😂😂#MumbaiRains pic.twitter.com/HuNQjEEuC9
— S Awasthi 🇮🇳 (@awasthiswati201) June 30, 2022
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, લીંક રોડ સહિતના માર્ગો પર ટ્રાફીક જામ થઇ ગયો હતો. શાંતાક્રૂઝમાં એક બસ વરસાદી પાણીમાં ફસાઈ જતા વાહનોની લાઈનો લાગી હતી. મહાલક્ષ્મી સિગ્નલ પાસે પણ સમાન હાલત સર્જાઇ હતી.અંધેરી સબ-વે, મલાડ સબ-વે, મિલન સબ-વે તથા હીંદમાતા જેવા અન્ડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને ડાયર્ઝન શરુ કરવામાં આવ્યું હતું.
મુંબઈના ડીસીપી વિનાયક ઢાંકને તથા નીતિન પવારે જણાવ્યું હતું કે ભારે વરસાદના જળબંબાકારમાં ટ્રાફીકને શક્ય એટલી ઓછી અસર થાય તે માટે વધારાના પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. વડાલા, જોગેશ્ર્વરી, માટુંગા, સાયન, માહીમ સહિતના ભાગોમાં જળબંબાકારની પરિસ્થિતિથી ટ્રાફીક સેવા પ્રભાવીત થઇ છે. દહીંસર ટોલનાકે પણ ભારે વરસાદ અને મોટા ખાડા પડવાને કારણે કિલોમીટર લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો.
મુંબઈમાં જૂન મહિનામાં વરસાદ નબળો રહ્યો હતો. ગત વર્ષની સરખામણીએ જૂન માસમાં માત્ર 50ટકા વરસાદ જ નોંધાયો હતો. કોલાબા ક્ષેત્રમાં 361 મીમી તથા શાંતાક્રૂઝમાં 291 મીમી વરસાદ પડ્યો હતો. જે ગત વર્ષે અનુક્રમે 695 મીમી તથા 960 મીમી થયો હતો.
ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉપરાંત આજે બપોરે દરિયામાં હાઈટાઇડની ચેતવણી આપવામાં આવી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે.