મુંબઈના કેટલાંક શિવસેનાના કોર્પોરેટર્સે શિંદેનો હાથ પકડ્યો

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રની સત્તા ગુમાવનાર શિવસેનાને એક બાદ એક કેટલાય ઝટકા મળી રહ્યા છે. હવે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના ૩૨ કોર્પોરેટરોએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને સમર્થન આપ્યુ છે. અગાઉ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના ૬૭ માં ૬૬ કોર્પોરેટર એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા હતા.
નવી મુંબઈમાં શિવસેનાના ૩૨ કોર્પોરેટરોએ એકનાથ શિંદે સાથે મળીને તેમને પોતાનુ સમર્થન આપ્યુ છે. કોર્પોરેટરોએ કહ્યુ, અમે એકનાથ શિંદેની સાથે રહીશુ. એકનાથ શિંદેને કોઈ કાર્યકર્તા પણ ફોન કરે છે તો તેઓ જવાબ આપે છે, અમને સારુ લાગે છે.
ઉદ્ધવ ઠાકરે માટે આને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. એક દિવસ પહેલા જ થાણેમાં શિવસેનાના ૬૭માંથી ૬૬ કાઉન્સિલરોએ એકનાથ શિંદેને સમર્થન આપ્યુ હતુ. મુંબઈ બાદ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન ગણવામાં આવે છે. અહીં કાઉન્સિલરોનો કાર્યકાળ અમુક સમય પહેલા ખતમ થઈ ગયો. અહીં શિવસેના સત્તામાં હતી પરંતુ હવે પૂર્વ મેયરના નેતૃત્વમાં ૬૬ કોર્પોરેટરોએ એકનાથ શિંદેને સમર્થન આપ્યુ છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાના ગઢના કાંગરા ખરતા નજર આવી રહ્યા છે. એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાએ મહારાષ્ટ્રની સત્તા ગુમાવી છે. ત્યારે હવે તેના હાથમાંથી એક એક કરીને નગર નિગમો અને નગર પાલિકાઓ પણ સરવા લાગ્યા છે.
કલ્યાણ ડોંબિવલી નગરપાલિકામાં શિવસેનાના ૫૫ કોર્પોરેટર્સે એકસાથે મુખ્યમંત્રી એકનાથ શિંદેની ટીમને સમર્થન જાહેર કર્યું છે.