મુંબઈમાં મ્યુનિ. શાળાઓનાં વિદ્યાર્થીઓને યોગાની તાલીમ આપનાર ધ યોગા ઇન્સ્ટિટ્યૂટે 101 વર્ષ પૂરા કર્યા
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીએ સમાજનાં લાખો લોકોને માનસિક ક્ષમતા અને આંતરિક શાંતિ પ્રદાન કરવા યોગાની સેવા આપવાના 101 વર્ષ પૂર્ણ કરવાની સીમાચિહ્નરૂપ સફળતા મેળવનાર ધ યોગા ઇન્સ્ટિટ્યૂટને શુભેચ્છા આપી
- રાજ્યપાલે લાઇફ સ્કૂલ પ્રોજેક્ટની પ્રશંસા કરી, જે અંતર્ગત મુંબઈમાં મ્યુનિસિપલ શાળાઓનાં 10,000થી વધારે વિદ્યાર્થીઓને યોગાની તાલીમ મળી છે
મુંબઈ, યોગનું શિક્ષણ આપવામાં વિશ્વનાં સૌથી જૂનાં સંગઠિત કેન્દ્ર તરીકે મુંબઈનાં ઐતિહાસિક યોગા કેન્દ્રએ એની કામગીરીનાં 101 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સફર દરમિયાન યોગની ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરીને લાખો લોકોને સ્વસ્થ જીવન આપવા માટેનો માર્ગ સૂચવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે યોગાની પરંપરાને એક સદીથી વધારે સમય જાળવનાર બદલ મહારાષ્ટ્રનાં આદરણીય રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીએ ધ યોગા ઇન્સ્ટિટ્યૂટને અભિનંદન આપ્યાં હતાં અને એની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “એક સદીથી વધારે સમયથી ભારત અને દુનિયાભરમાં યોગની સતત અને સાતત્યપૂર્ણ સેવા આપનાર ધ યોગા ઇન્સ્ટિટ્યૂટ પ્રશંસાને પાત્ર છે અને હું સંસ્થાનાં સંચાલકોને અભિનંદન આપું છું. જ્યારે સંસ્થા એક સદીથી વધારે સમયથી કાર્યરત છે, ત્યારે મને એ જાણીને આનંદ થયો છે કે, સંસ્થાનાં લાઇફ સ્કૂલ પ્રોજેક્ટે પણ મુંબઈમાં બીએમસીની શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓને નિઃસ્વાર્થપણે યોગ શીખવવાની કામગીરીની રજતજયંતિ પૂર્ણ કરી છે. આ જાણકારી મેળવીને વધારે આનંદ થયો છે.”
આદરણીય રાજ્યપાલે યોગના જીવન ઉપયોગી મૂલ્યોની પ્રશંસા કરીને કહ્યું હતું કે, “જ્યારે ભૌતિક વિકાસ અને વૃદ્ધિની ભેટ આપણને પશ્ચિમનાં દેશોમાંથી મળી છે, ત્યારે ભારતે માનવજાતને યોગાનાં અમૂલ્ય લાભ પ્રદાન કર્યા છે. યોગની પ્રેક્ટિસ કરવાથી શરીર સ્વસ્થ રહેવાની સાથે માનસિક ક્ષમતા વિકસે છે અને આંતરિક શાંતિનો અનુભવ થાય છે, જે ખરાં અર્થમાં કિંમતી ભેટ છે.”
આ કાર્યક્રમમાં આદરણીય રાજ્યપાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ધ યોગા ઇન્સ્ટિટ્યૂટમાં ભારતમાંથી અને દુનિયાનાં 40 દેશોમાંથી યોગીઓ અને યોગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધ યોગા ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 25 ડિસેમ્બર, 1948ના રોજ થઈ હતી. યોગનાં પ્રશંસક અને અનુયાયી આદરણીય રાજ્યપાલે યોગા ઇન્સ્ટિટ્યૂટનાં કેમ્પસ અને યોગા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ધ યોગા ઇન્સ્ટિટ્યૂટનાં ડાયરેક્ટર શ્રીમતી હંસા જયદેવ યોગેન્દ્રે કહ્યું હતું કે, “હું મહારાષ્ટ્રનાં આદરણીય રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીનો આભાર માનું છું, જેમણે ધ યોગા ઇન્સ્ટિટ્યૂટનાં આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પર ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી છે અને સંસ્થાને વધારે પ્રગતિ કરવાના આશીર્વાદ આપ્યાં છે. અમારા સ્થાપક અને મહાન યોગ ગુરુ શ્રી યોગેન્દ્રજીનાં વિઝન મુજબ ધ યોગા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમે સતત યોગની સેવા આપવાનું જાળવી રાખીશું, જે માટે આદરણીય રાજ્યપાલનાં શબ્દોએ પ્રોત્સાહન આપ્યું છે. હું અહીં ઉપસ્થિત વિશિષ્ટ મહાનુભાવો અને સમર્થકોનો આભાર માનું છું, જેમણે હંમેશા અમને સાથસહકાર આપ્યો છે. અમે દરરોજ ભારત અને દુનિયાનાં અનેક લોકોનાં જીવનમાં સંવાદિતા અને સંતુલન જાળવવા માટે કામ કરીએ છીએ.”
આદરણીય રાજ્યપાલે એડફેક્ટર્સ પીઆરને સમાજને ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે ધ યોગા ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ ફોર એક્સલન્સનો એવોર્ડ પણ એનાયત કર્યો હતો.એડફેક્ટર્સ પીઆર લાઇફ સ્કૂલ પ્રોજેક્ટને સતત ટેકો આપે છે, જેનાં પરિણામે મુંબઈમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં વંચિત સમુદાયનાં વિદ્યાર્થીઓ 10,000થી વધારેને યોગની તાલીમ મળી છે.
શ્રીમતી હંસાજી જયદેવ યોગેન્દ્રે કહ્યું હતું કે, “આ એવોર્ડ એડફેક્ટર્સ પીઆરને ધ યોગા ઇન્સ્ટિટ્યૂટને સતત સાથસહકાર આપવા બદલ એનાયત થયો છે. એડફેક્ટર્સ પીઆર અમારી કિંમતી પાર્ટનર અને શુભેચ્છક છે. વંચિત સમુદાયનાં બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં મદદ કરવા યોગનું નિઃશુલ્ક શિક્ષણ આપવાના અમારા અભિયાનને સ્પોન્સર કરીને મુંબઈની 100થી વધારે બીએમસી શાળાઓમાં યોગા વિશે જાગૃતિ લાવવામાં એડફેક્ટર્સ પીઆર સતત મદદરૂપ થઈ છે. અમારી ક્ષમતામાં વિશ્વાસ મૂકવા બદલ અમે એમનો આભાર માનીએ છીએ તથા આગામી વર્ષોમાં અમે વધુને વધુ લોકોને યોગનું શિક્ષણ આપવા અને એના ફાયદા વિશે જાગૃતિ લાવવા એમની સાથે સંયુક્તપણે કામ કરવા આતુર છીએ.”
આ એવોર્ડ એડફેક્ટર્સ પીઆરનાં મેનેજિંગ ડાયરેક્ટર અને યોગા ઇન્સ્ટિટ્યૂટનાં ટ્રસ્ટી મદન બહલે સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમને આદરણીય રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીજીના હસ્તે આ એવોર્ડ સ્વીકારતા આનંદ અને ગર્વની લાગણી થાય છે. અમે સ્વસ્થ જીવનશૈલી માટે યોગાના શિક્ષણમાં પ્રદાન કર્યું છે અને લાઇફ સ્કૂલ પ્રોજેક્ટ સ્વરૂપે બાળકોમાં યોગને પ્રોત્સાહન આપીએ છીએ. અમારા આ નાનાં પ્રદાનને બિરદાવવા બદલ અમે ધ યોગા ઇન્સ્ટિટ્યૂટનાં આભારી છીએ. દરેક સમાજનું ભવિષ્ય બાળકો હોય છે અને આપણા કિંમતી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવું આપણી સહિયારી ફરજ અને જવાબદારી છે. એડફેક્ટર્સ પીઆર ધ યોગા ઇન્સ્ટિટ્યૂટના લાઇફ સ્કૂલ પ્રોજેક્ટને ટેકો આપવાનું જાળવી રાખશે, જે બાળકોને કિંમતી મદદ કરે છે, જેઓ હંમેશા અમારાં તમામ સીએસઆર પ્રયાસોનાં કેન્દ્રમાં છે.”
શ્રીમતી હંસાજી જયદેવ યોગેન્દ્રએ બીએમસી શાળાઓનાં આચાર્યોનો આભાર માન્યો હતો – જેમાંથી કેટલાંક આચાર્યો વિશિષ્ટ અતિથિ તરીકે ધ યોગા ઇન્સ્ટિટ્યૂટનાં શિક્ષકો સાથે આ પ્રસંગે ઉપસ્થિત હતાં. તેમણે વંચિત સમુદાયનાં 10000થી વધારે બાળકો સુધી યોગની વિદ્યા પહોંચાડવામાં મદદ કરી છે. આ કાર્યક્રમનાં ભાગરૂપે બીએમસીની શાળાઓમાં ધ યોગા ઇન્સ્ટિટ્યૂટની સામાજિક સેવાઓ દર્શાવતી એક વીડિયો ડોક્યુમેન્ટરી સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત થયો હતો.
ધ યોગા ઇન્સ્ટિટ્યૂટ સામાજિક સેવામાં કાર્યરત બિનનફાકારક સંસ્થા છે, જેની સ્થાપના 25 ડિસેમ્બર, 1018નાં રોજ યોગ ગુરુ શ્રી યોગેન્દ્રજીએ સાંતાક્રૂઝ, મુંબઈમાં કરી હતી. શ્રી યોગેન્દ્રજીનાં નેતૃત્વમાં યોગીઓની ત્રણ પેઢીઓનાં પ્રયાસો અને માતા સીતા દેવી, સ્વ. ડો. જયદેવ યોગેન્દ્ર અને ડો. હંસાજી યોગેન્દ્ર અને ઋષિ જયદેવ યોગેન્દ્રનાં અમૂલ્ય પ્રદાનનાં પરિણામે ધ યોગ ઇન્સ્ટિટ્યૂટે અનેક લોકોનાં જીવનમાં યોગરૂપી સંપૂર્ણ વિકાસની વિદ્યાનો દીપ પ્રકટાવ્યો છે.
વર્ષ 2018માં સંસ્થાને યોગનાં પ્રોત્સાહન અને વિકાસ માટે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ પ્રધાનમંત્રીનો એવોર્ડ મળ્યો હતો, જે આયુષ મંત્રાલય દ્વારા એનાયત થયો હતો. વળી આ સંસ્થા આયુષ મંત્રાલયની ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સર્ટિફાઇડ યોગા સ્કૂલ પણ છે.
ધ યોગા ઇન્સ્ટિટ્યૂટે 500થી વધારે પ્રકાશનો કર્યા છે અને યોગ વિશે શ્રી યોગેન્દ્રજીનાં પુસ્તકોને અણેરિકાની ઓગ્લેથોર્પે યુનિવર્સિટીમાં ક્રિપ્ટ ઓફ સિવિલાઇઝેશનમાં સૌથી જૂના અને દુનિયામાં સૌથી મોટા મિલિનિયલ ટાઇમ કેપ્સૂલ સ્વરૂપે સુરક્ષિત રાખવામાં આવ્યાં છે, જે ઇ.સ. 8113માં ખુલશે.
પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મંચ પર ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આમંત્રણ મેળવનાર એકમાત્ર મહિલા યોગા ગુરુ ડો. હંસાજી જયદેવ યોગેન્દ્ર હતાં. ધ યોગા ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ મેળવવા અને સ્વાસ્થ્ય સંબંધિત સલાહ લેવા માટે દરરોજ આશરે 2000 વ્યક્તિઓ આવે છે. વર્ષોથી યોગા ઇન્સ્ટિટ્યૂટ 120 દેશોમાં 55,000થી વધારે યોગા ટીચર્સને તાલીમ અને સર્ટિફિકેટ આપે છે, જેનાથી લાખો લોકોને ગુણવત્તાયુક્ત અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ મળી છે.