મુંબઈની વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ રૂ. ૩.૮ કરોડ પડાવ્યાં
નવી દિલ્હી, દેશમાં સાયબર ળોડના કિસ્સાઓ સતત ચિંતાજનક હદે વધી રહ્યાં છે. નાગરિકોમાં જાગરુકતાના અભાવે ગઠિયાઓ છાશવારે લોકોને વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કોલ કરી તેમને ડરાવી, ધમકાવીને તેમની મહેનતના નાણાં પડાવી રહ્યાં છે.
ઓનલાઈન ઠગાઈની આવી જ એક ઘટનામાં સાયબર ગઠિયાઓએ મુંબઈની એક વૃદ્ધ મહિલાને રૂ. ૩.૮ કરોડનો ચૂનો લગાવ્યો હતો. કાયદાનું પાલન કરાવતી એજન્સીના અધિકારીઓ હોવાનું કહી આ ગઠિયાઓએ દક્ષિણ મુંબઈની ૭૭ વર્ષની એક વૃદ્ધાને એક મહિનો સુધી ડિજિટલ એરેસ્ટ કરી હતી. દેશમાં નોંધાયેલા ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં આ સૌથી લાંબી ડિજિટલ એરેસ્ટ છે.
આ સમગ્ર ઘટનાની શરૂઆત એક વોટ્સએપ કોલથી થઈ હતી. ગઠિયાઓએ પોતે કાયદાનું પાલન કરાવતી એજન્સીના અધિકારી હોવાનું જણાવી મહિલાના વોટ્સએપ પર એક કોલ કર્યાે હતો. તેમણે મહિલાને જણાવ્યું હતું કે, તમે તાઈવાનમાં મોકલેલું પાર્સલ અમે પકડ્યું છે.
જેમાં પાંચ પાસપોટ્ર્સ, ચાર કિલો કપડાં, એમડીએમએ નામની નશીલી દવા તથા બેન્કનું એક કાર્ડ છે. આટલું કહીંને ગઠિયાઓએ આ મહિલાના ફોન પર ક્રાઈમ બ્રાન્ચના નામની નકલી નોટિસ પણ મોકલી હતી.
જ્યારે મહિલાએ કહ્યું કે તેણે આવું કોઈ પાર્સલ નથી મોકલ્યું તો ગઠિયાઓએ તેને કહ્યું કે તેના આધાર કાર્ડની મદદથી આ પાર્સલ મોકલાયું છે અને હવે તેઓ આ કોલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને ટ્રાન્સફર કરી રહ્યાં છે. ત્યારબાદ નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારીએ પણ મહિલાને આવી જ વાત કરી ડરાવી હતી.
આટલી વાત પછી તેમણે મહિલાને સ્કાઈપ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. જેના પર આનંદ રાણા નામના આઈપીએસ અધિકારી હોવાનો દાવો કરતા વ્યક્તિનો વીડિયો કોલ આવ્યો હતો. જેણે મહિલાને કહ્યું કે તેણે ફોન ચાલુ રાખવાનો છે અને તેના વિશે કોઈને જાણ નથી કરવાની.
ત્યારબાદ આ જ કોલમાં અન્ય એક વ્યક્તિ જોડાયો હતો, જેણે પોતાની ઓળખ નાણાં વિભાગના અધિકારી તરીકે આપી હતી. જેણે આ મહિલાને એક એકાઉન્ટ નંબર આપી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું અને ખાતરી આપી હતી કે તપાસ પૂરી થયાં બાદ જો તેની વિરુદ્ધ કોઈ પુરાવા નહીં મળે અને તે નિર્દાેષ હશે તો તેના પૈસા પરત કરી દેવામાં આવશે.
આશરે એક મહિના સુધી મહિલાએ પોતાનો ફોન સતત ચાલુ રાખ્યો હતો, અને જો ક્યારેક ફોન કપાઈ જાય તો ગઠિયાઓ તેને ફોન કરી ધમકી આપતાં હતાં. આ સમયગળા દરમિયાન ટુકડે ટુકડે ગઠિયાઓએ તેની પાસેથી રૂ. ૩.૮ કરોડ પડાવી લીધાં હતાં. છેવટે એક દિવસ કંટાળીને મહિલાએ તેની દિકરીને આ અંગે જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.SS1MS