મ્યુનિ. એસ્ટેટ વિભાગને છેલ્લા ત્રણ વર્ષમાં 3400 કરોડની માતબર આવક
છેલ્લા બે વર્ષમાં ૧૦ પ્લોટ અને ૩૧ દુકાનોની હરાજીથી રૂ.૪૧૦ કરોડ મળ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાઉ દિકરા તરીકે માત્ર ટેક્ષ વિભાગની જ ગણતરી થાય છે પરંતુ ખરેખર જોવામાં આવે તો ટેક્ષ વિભાગની સમકક્ષ એસ્ટેટ – ટીડીઓ વિભાગની આવક પણ દર વર્ષે લગભગ ૧ હજાર કરોડની આસપાસ થાય છે.
મ્યુનિ. એસ્ટેટ વિભાગ ને રિઝર્વ પ્લોટોની હરાજી, દુકાનો-મિલકતોની હરાજી, ચાર્જેબલ ફીસ, ડેવલોપમેન્ટ આવક થાય છે. છેલ્લા બે વર્ષ દરમિયાન એસ્ટેટ વિભાગને પ્લોટ વેચાણ આવકમાંથી રૂ.૪૦૦ કરોડ કરતા વધુ આવક થઈ છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે રિઝર્વ પ્લોટોની હરાજી કરવામાં આવે છે જેના થકી કોર્પોરેશનને આવક થાય છે અને વિકાસના કામોમાં ગતિ આવે છે. તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન લગભગ ૩૧ દુકાનો અને ૧૦ જેટલા પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી છે જેના દ્વારા તંત્રને રૂ.૪૧૦ કરોડની માતબર આવક થઈ છે.
મ્યુનિ. કોર્પોરેશને સિંધુભવન મલ્ટીલેવલ પા‹કગની ર૩ અને સિંધુ એપાર્ટમેન્ટ ચાંદખેડાની ૮ દુકાનોની હરાજી કરી હતી આ ઉપરાંત અલગ અલગ વિસ્તારની ટીપી સ્કીમોના ક્લિયર પ્લોટ પણ હરાજી દ્વારા વેચાણ કરવામાં આવ્યા છે જે પૈકી જેટકોએ ૦૪, ખાદી ગ્રામ ઉદ્યોગે ૧ અને કસ્ટમ વિભાગે ૧ પ્લોટની ખરીદી કરી છે. મ્યુનિ. એસ્ટેટ – ટીડીઓ વિભાગને છેલ્લા ૩ વર્ષ દરમિયાન ૩૪૪૦.૬૮ કરોડની આવક થઈ છે
જેમાં ચાર્જેબલ એફએસઆઈની ૧૮પર અને અન્ય ડેવલપમેન્ટની ૧પ૮૮ કરોડની આવકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એસ્ટેટ વિભાગને જાહેરાત, ભાડા, બેટરમેન્ટ ચાર્જ, પ્લાન મંજુર કરવાની ફી તેમજ બીયુની ફી વગેરેની આવક થાય છે આમ ખરેખર જોવામાં આવે તો મિલકત વેરા કરતા પણ વધુ આવક એસ્ટેટ ટીડીઓ વિભાગને થતી હોય છે.