Western Times News

Gujarati News

મ્યુનિ. રેઈન બસેરામાં CCTV લગાવવામાં આવશે

હર ઘર તિરંગા અંતર્ગત વોર્ડ દીઠ ર૦૦૦ તિરંગા આપવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘર વિહોણા લોકો માટે વિવિધ વિસ્તારોમાં રેઈન બસેરા બનાવવામાં આવ્યા છે. સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ તૈયાર કરવામાં આવેલા આ રેઈન બસેરાઓમાં સીસીટીવી લગાવવા ફરજીયાત છે

પરંતુ તંત્ર દ્વારા આ ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો ન હતો હવે મ્યુનિ. શાસકો સફાળા જાગ્યા છે અને શહેરના ર૯ રેઈન બસેરાઓમાં સીસીટીવી લગાવવા માટે મંજુરી આપી છે આ ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક વોર્ડના દીઠ તિરંગા આપવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં જે રેઈન બસેરા તૈયાર કરવામાં આવ્યા છે તેમાં ર૯ રેઈન બસેરાઓમાં રૂા.૩પ લાખના ખર્ચથી સીસીટીવી લગાવવામાં આવશે.

આ ઉપરાંત ૯મી ઓગસ્ટથી મેરી મીટી મેરા દેશ અને હર ઘર તિરંગના કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવશે જેના માટે દરેક વોર્ડમાંથી માટી એકત્રિત કરી તેને દિલ્હી મોકલવામાં આવશે. જયારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક કોર્પોરેટરોને પ૦૦ તિરંગા અપાશે. સ્ટેન્ડિગ કમિટિમાં ધાર્મિક સ્થાનો માટેના પ્લાન મંજુર કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી

મોટાભાગે રેસિડેન્સીયલ એનએ પર ધાર્મિક સ્થાનોના બાંધકામ માટે મંજુરી માંગવામાં આવે છે જયારે નિયમ મુજબ સ્થાનિક સ્થાનોની મંજુરી કોમર્શિયલમાં કરવામાં આવે છે તેથી આ અંગે ઝડપથી કાર્યવાહી કરી તેનું વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.

પાલડી વિસ્તારના જલારામ મંદિર પાસે અંડરબ્રિજનું કામ ચાલી રહયું છે ત્યાં સર્વિસ રોડ પર માલ સામાન મુકવામાં આવ્યો છે જેના કારણે નાગરિકોને અવરજવરની તકલીફ રહે છે તેથી આ માલ સામાન દુર કરવાની કોન્ટ્રાકટરને સુચના આપવામાં આવી છે.

શહેરમાં પ્રથમ વખત રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને રોકવા માટે ચાણક્યપુરી બ્રીજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે આ બમ્પ પ્રયોગિક ધોરણે લગાવવામાં આવ્યા છે જેના સારા નરસા પરિણામોની સમીક્ષા કર્યાં બાદ અન્ય વિસ્તારોમાં લગાવવા માટેની વિચારણા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.