મ્યુનિ. કોર્પો. દ્વારા PMના જન્મ દિવસ નિમિતે મેડીકલ કેમ્પ- વૃક્ષારોપણના આયોજન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોલા તળાવ પાસે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે જેમાં વૃક્ષારોપણ, મેડીકલ કેમ્પ વગેરે મુખ્ય છે.
શહેર મેયર પ્રતિભાબેન જૈન અને મ્યુનિ. સ્ટેન્ડીગ ચેરમેન દેવાંગભાઈ દાણીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના જન્મ દિન નિમિત્તે મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં કુલ ર૦ જેટલા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દક્ષિણ ઝોનમાં ૦૩, પૂર્વમાં ૦૪, ઉત્તરમાં ૦૩, પશ્ચિમમાં ૦૪, મધ્યમાં ૦૩, ઉ.પ. ૦ર, અને દ.પ.માં ૦૧ નો સમાવેશ થાય છે. તમામ મેડીકલ કેમ્પમાં પ્રાથમિક સારવાર તેમજ લેબોરેટરીની તપાસ સ્પેશ્યાલીસ્ટ તબીબો દ્વારા કરવામાં આવશે. મેડીકલ કેમ્પ ઉપરાંત દરેક અર્બન હેલ્થ સેન્ટર ખાતે સફાઈ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવશે.
મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ ૯ જેટલા હેલ્થ સેન્ટર્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે તેમજ આગામી ૧પ દિવસ સુધી આયુષ્યમાન કાર્ડનું એનરોલમેન્ટ અને વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીના જન્મ દિવસે ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં સોલા ગામ તળાવ પાસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે
જેમાં કુલ ૭ર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. ઉપરાંત શહેરના જુદા જુદા ૧૩ સ્થળોએ એક જ દિવસમાં ૧.૦૧ લાખ વૃક્ષ લગાવવામાં આવશે તેમજ ૧પ દિવસમાં કુલ પ લાખ વૃક્ષ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.