Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૩૧ માર્ચ સુધી વ્યાજ રિબેટ યોજના જાહેર કરવામાં આવી

રહેણાંક મિલકતોમાં ૭પટકા અને કોમર્શિયલમાં ૬૦ ટકા સુધી રિબેટ મળશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાના બાકી લેણાંની વસુલાત માટે વ્યાજ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે જેનો અમલ ૩૧ માર્ચ સુધી થશે. આ ઉપરાંત બાપુનગર પાર્ટી પ્લોટના ભાડાના દર અને ડોર ટુ ડમ્પની કામગીરી સાથે કાઉÂન્સલરોને જોડવા માટે કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની સ્કીમ મૂકવામાં આવી છે.

રહેણાંક મિલકતમાં ૭૫ ટકા અને કોમર્શિયલ મિલકતમાં ૬૦ ટકા વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી જ માફીની સ્કીમ લાગુ પડશે. લોકો ઝડપી પ્રોપર્ટી ટેક્સ ભરી શકે અને બાકી ટેક્સ ધારકો દંડ અને સીલની કાર્યવાહીથી બચી શકે તેના માટે વ્યાજ માફીની સ્કીમ લાવવામાં આવી છે. આમ, આ રિબેટ સ્કીમનો લાભ ૪૫ દિવસ સુધી કરદાતાઓને મળશે.

શહેરના બાપુનગર વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. જેનું ભાડું સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાર્ટી પ્લોટનું ભાડું અને ડિપોઝીટ રૂપિયા ૩૦,૦૦૦ નક્કી કરવામાં આવી હતી. જેમાં સુધારો કરી ભાડું અને ડિપોઝિટ ૧૫,૦૦૦ નક્કી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડી ક્યા વિસ્તારમાંથી કઈ સોસાયટીમાંથી કચરો ઉપાડે છે અને ગાડી કચરો લેવા ગઈ હતી કે કેમ તે અંગેની માહિતી હવે કોર્પોરેટરો જોઈ શકે તેના માટે એપ્લિકેશનમાં કોર્પોરેટરોને યુઝર પાસવર્ડ સાથે એક્સપ્રેસ આપવામાં આવશે. ગટરની સફાઈ CCTV મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરની સફાઈ CCTV મારફતે કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં CCTV ડિસિલટિંગનો ડેટા હવે સેન્ટ્રલાઇઝ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. CCTV ના ડેટાથી ક્યા વિસ્તારમાં સફાઈ થઈ અને યોગ્ય સફાઈ થઈ કે કેમ તે તમામ અંગે યોગ્ય માહિતી મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.