મ્યુનિ. કોર્પોરેશન ગણપતિ વિસર્જન માટે રૂા.૬ કરોડના ખર્ચથી ૪૬ કુંડ તૈયાર કરશે
Kund(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ગણેશ ચતુર્થીના તહેવારને લઈ દર વર્ષની માફક ચાલુ વરસે પણ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનના દિવસે અનેક લોકો સાબરમતી નદીના કિનારે અથવા તો ગમે ત્યાં રોડ ઉપર ગણેશની મૂર્તિ મૂકી દેતા હોય છે.
જેથી લોકોની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચે છે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા મોટા નાના મોટા કુલ ૪૬ જેટલા વિસર્જનકુંડ બનાવવાનો ર્નિણય લીધો છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ગણેશ વિસર્જનકુંડ બનાવવામાં આવશે. કુલ છ કરોડ રૂપિયાના ખર્ચે આ વિસર્જનકુંડ બનાવાશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીન ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ ઝોનમાં વિસર્જનકુંડ બનાવવામાં આવશે જેમાં મધ્યઝોનમાં ૭, ઉત્તર ઝોનમાં ૦૬, દક્ષિણ ઝોનમાં ૦પ, પૂર્વ ઝોનમાં ૪, પશ્ચિમ ઝોનમાં ૧૩, અને ઉ.પ. ઝોનમાં ૯ કુંડ તૈયાર કરવામાં આવશે.
આ તમામ કુંડ માટે અંદાજે રૂા.૬ કરોડનો ખર્ચ થશે. શહેરના પશ્ચિમ ઝોનમાં સાબરમતી વિસ્તારમાં ૩, રાણીપમાં ર, ચાંદખેડામાં ર, નારણુરામાં ૧, પાલડીમાં ર, નવરંગપુરામાં ૦ર, અને સ્ટેડિયમ વોર્ડમાં ૧ કુંડ બનાવવામાં આવશે જે પૈકી રિવરફ્રંટમાં એનઆઈડીની પાછળ જીપલાઈન પાસે, વલ્લભસદન પાસે, સાહિત્ય પરિષદ પાસે તેમજ સ્ટેડિયમ વોર્ડમાં કેશવનગર પાસે ગણેશકુંડ તૈયાર કરવામાં આવશે.
જયારે પૂર્વ ઝોનના વસ્ત્રાલ, રામોલ અને નિકોલ વોર્ડ, ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં ૦૪ તથા બાપુનગર-સૈજપુરમાં ૧-૧, દક્ષિણ ઝોનના બહેરામપુરા, લાંભા અને ખોખરા વોર્ડ, મધ્યઝોનના શાહપુર વોર્ડમાં ૦૩, જમાલપુરમાં ૦૩ અને શાહીબાગ વોર્ડમાં ૦૩ ઉપરાંત ઉ.પ. ઝોનમાં બોડકદેવ, ચાંદલોડિયા અને થલતેજ તેમજ ગોતા વોર્ડમાં ૦ર, દ.પ.ઝોનમાં જાેધપુર અને સરખેજ વોર્ડમાં ર-ર કુંડ તૈયાર થશે.
રિવરફ્રંટના પૂર્વ પટ્ટામાં મહાલક્ષ્મી મંદિર પાસે એલિસબ્રીજ, ફુલબજાર પાસે સરદારબ્રિજ, નદીના તટ પર લેમન ટ્રી હોટલ પાછળ, શાહીબાગમાં દશામાં મંદિર પાસે વિસર્જન કુંડ તૈયાર થશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાની મોટી ક્રેન, ફાયરબ્રિગેડ, પીવાના પાણી, મોબાઈલ ટોયલેટ વાન અને મોટા ખાલી ડ્રમ વગેરેની સુવિધા કરવામાં આવશે. અમદાવાદ ફાયર બ્રિગેડનો અધિકારીઓ અને કર્મચારીઓનો કુલ ૨૬૩નો સ્ટાફ હાજર રહેશે. ગણેશ વિસર્જનના દિવસે શાહીબાગ, જમાલપુર, પાલડી ટાઉનહોલ વાડજ અને તિલકબાગ ખાતે વિવિધ કમિટીઓના ચેરમેન વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવશે.
ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ અને સ્વચ્છતા, પાર્કિગ વગેરેને ધ્યાનમાં રાખીને લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધાનું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
દરેક જગ્યાએ વિસર્જનકુંડ ઉપર વિસર્જન બાદ સાફ સફાઈ અંગે પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. વિસર્જન સ્થળે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની કામગીરી કરી વિસર્જનમાં કોઈપણ પ્રકાર ની નાગરિકને તકલીફ પડશે નહીં.