મ્યુનિ. કોર્પોરેશને સાણંદ પાસે બનાવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખંડેર અવસ્થામાં
૨૦૦૯માં રૂ.૨૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ પ્લાન્ટ હજી શરૂ થયો નથી-AMC અને ઔડાના (AUDA) સંકલનના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલમાં ધૂળ ખાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્તી-વિસ્તાર સતત વધી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર અને વિકાસ ધીમે ધીમે સાણંદ સુધી પહોંચી રહ્યો છે. તેથી સાણંદ અને તેની આસપાસના વિકાસની જવાબદારી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા ના શિરે આવે છે.
લગભગ દોઢ દાયકા પહેલા સાણંદ પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા ની જવાબદારી ઔડાએ સ્વીકારી મ્યુનિ. કોર્પોરેશન ને સોંપી હતી.મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા તે સમયે કરોડો રૂપિયા ના ખર્ચથી પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ એએમસી અને ઔડાના સંકલનના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલમાં ધૂળ ખાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ૨૦૦૯-૧૦ના વર્ષમાં સાણંદ નગરપાલિકાને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો કરવા માટે કરોડો રૂ.ની ગ્રાન્ટ ફાળવેલ હતી જે પૈકી એસ.ટી.પી. પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પંપીંગ સ્ટેશનો અને ડ્રેનેજ નેટવર્કના કામો કરવા માટે ૧૦૦ કરોડથી વધુ રકમની ગ્રાન્ટ ફાળવેલ હતી પછી સાણંદનો ગ્રોથ સેન્ટર તરીકે વિકાસ કરવાની જવાબદારી ઔડાની હતી
જેથી કેન્દ્ર સરકારે ઔડાને ગ્રાન્ટ ફાળવેલ હતી પણ ઔડાએ સાણંદમાં ઈન્ફસ્ટ્રકચરના કામો કરવા માટે અમદાવાદ મ્યુ.કોર્પો.ને જવાબદારી આપી હતી અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા રૂ. ૨૦.૦૦ કરોડથી પણ વધુ રકમના ખર્ચે સાણંદના તેલાવ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ આપેલ હતું પણ આજ દિન સુધી આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયો નથી.
સાણંદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ પ્લાન્ટનું કામ અધરું છે તેમ કહીને કબજો લેવામાં આવતો નથી ઔડા દ્વારા કહેવામાં આવે છે કે, આ પ્લાન્ટ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. હાલમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આસપાસમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉભા થઈ ગયાં છે આ પ્લાન્ટ ખંડેર હાલતમાં ધૂળ ખાઈ રહયો છે. આ પ્લાન્ટ કાર્યરત કરવા બાબતે સાણંદ નગરપાલિકા, ઔડા અને અમદાવાદ મ્યુ.કોર્પો.ના અધિકારીઓ એક બીજાને ખો આપી રહયાં છે
તો અહીં સવાલ એ ઉભો થાય છે કે કેન્દ્ર સરકારે કરોડો રૂ. આપ્યા બાદ પણ જો અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા તેલાવ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને તે કાર્યરત કરી શકી નથી તો પ્રજાના પરસેવાના કરોડો રૂ વેડફાયા તેના માટે જવાબદારો સામે પગલાં ક્યારે ભરાશે? આ સમગ્ર પ્રકરણમાં વિજીલન્સ ડીર્પા.દ્વારા પુરતી તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.