મ્યુનિ. શાસકોએ કરેલી વાઈટ ટોપીંગ રોડની જાહેરાત કાગળ પુરતી સીમિત
ર૦ર૩-ર૪ માં ૧૦૧ રોડ તૈયાર કરવા સામે માત્ર ૬ રોડ જ બન્યાઃ શહેજાદ ખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, દર વર્ષે ફુલ ગુલાબી બજેટ જાહેર કરવામાં આવે છે પરંતુ તે પૈકી પ્રજાલક્ષી કામો લગભગ શરૂ થતા જ નથી મ્યુનિ. સત્તાધીશો દ્વારા વર્તમાન નાણાકીય વર્ષમાં રોડની ગુણવત્તા અને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના નિવારણ માટે વોર્ડ દીઠ બે વાઈટ ટોપીંગ રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેનો કોઈ ચોક્કસ અમલ થયો નથી જે અંગે કોંગ્રેસ પક્ષે સત્તાધીશોની આવડત સામે પ્રશ્નાર્થ કર્યો છે.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોના સને ૨૦૨૩-૨૪ ના બજેટમાં મંજુર થયેલ કામો પૈકી દરેક વોર્ડ દીઠ ૨ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની જાહેરાત ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. જેના માટે રૂ. ૨૫૦.૦૦ કરોડ જેટલી માતબર રકમ પણ ફાળવવામા આવી છે.
આ ઉપરાંત કમિશનરે પણ ડ્રાફ્ટ બજેટમાં પાંચ રોડ બનાવવા જાહેરાત કરી હતી.આમ,અમદાવાદ શહેરમાં કુલ ૧૦૧ વ્હાઈટ ટોપિંગ રોડ વર્તમાન નાણાકીય વર્ષમાં બનાવવાના થાય છે. પરંતુ વાસ્તવિક્તા મુજબ બજેટ વર્ષના ૮ માસ વીતી ગયાં બાદ હજુ માત્ર ૬ રોડ જ ભાજપના સત્તાધીશો બનાવી શક્યા છે એટલે કે ૧૦% પણ કામગીરી કરી શક્યા નથી તે ૬ રોડ પૈકી ૨ રોડની ૧૦૦ %, ૧ રોડની ૯૦ % અને ૩ રોડની ૮૦ % જ કામગીરી પૂર્ણ કરી શક્યા છે
જે ભાજપની વહીવટી અણઆવડતતા પુરવાર કરે છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે શાસકો દ્વારા બજેટ મંજુર કરવામાં આવે છે ત્યારબાદ વર્ષાંતે તે બજેટ રીવાઇઝડ કરવામાં આવે છે આ કડવી અને નરી વાસ્તવિકતા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ વર્ષ પુરું થવામાં માત્ર ૪ માસ બાકી રહે છે ત્યારે ૪ માસમાં બાકી રહેલા ૯૦ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા માટે શું ભાજપના સત્તાધીશો સક્ષમ છે ?
ત્યારે મંજુર કરાયેલા કામોનો પ્રગતિ રીર્પોટ તથા કામોનો અગ્રતાક્રમ આપવા બાબતે મળેલ બજેટ રીવ્યુ કમિટીની બેઠકો હાસ્યાસ્પદ બની રહેલ છે હવે આગામી વર્ષ ૨૦૨૪-૨૫માં કરવાના વિકાસ કામો બજેટમાં સમાવવા માટે સૂચનો મંગાવેલ છે પણ જે જુના કામો બાકી છે તે પહેલાં પૂર્ણ કરવા જરૂરી બને છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ અનેક દરખાસ્તોનો હજુ પણ અમલમાં થયો નથી જે સત્તાધારી ભાજપની વહીવટી નિષ્ફળતા પુરવાર થાય છે આ તમામ બાબતોને લઇ બજેટના કોઇ પણ પ્રકારના કામોનું અમલીકરણ કરવા તેને લઈને જરૂરી વ્યવસ્થા તથા કાર્યવાહી સમયસર થઇ શકે તેવું આયોજન કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.