મ્યુનિ. હેલ્થ – ઈજનેર વિભાગની ખાલી જગ્યાઓ તાકિદે ભરવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમય બાદ નવી ભરતી કરવામાં આવી રહી છે. એસ્ટેટ અને ટીડીઓ વિભાગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે હેલ્થ અને ઈજનેર વિભાગની ખાલી જગ્યાઓ પણ ભરવામાં આવશે.
આ ઉપરાંત ફાયર અને હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડમાં પણ લાયકાતના ધોરણે જરૂરિયાત મુજબ ભરતી થશે. મ્યુનિ. કોર્પોરેશનની કથળતી જતી સ્થિતિને ધ્યાનમાં લઈ ૧૧ પ્લોટના ઈ ઓકસન કરવામાં આવશે જેના થકી તંત્રને રૂ.૧૧૦૦ કરોડની આવક થવાની આશા છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યા મુજબ ટુંક સમયમાં જ ઈજનેર અને હેલ્થ વિભાગની ખાલી પડેલી કુલ ૧ર૮૦ જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત ઈજનેર વિભાગમાં બઢતી પ્રક્રિયાથી પણ જગ્યાઓ ભરાશે. હેલ્થ ફુડ વિભાગમાં સ્ટાફ ઘણો ઓછો હોવાની રજુઆત થતી રહી છે તેથી આ વિભાગમાં પણ વોર્ડ દીઠ એક ઈન્સ્પેકટરની જગ્યા લાયકાતના ધોરણે ભરવામાં આવશે.
મ્યુનિ. ફાયર વિભાગના શીડયુલ મુજબની ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૮ પ્લોટના ઈ ઓકશન કરવામાં આવશે. આ ઉપરાંત ચાંદખેડાના ત્રણ પ્લોટના પણ વેચાણ થશે. આમ કુલ ૧૧ પ્લોટના વેચાણ કરવાથી તંત્રની તિજારીમાં રૂ.૧૦૦૦ કરોડ કરતા વધુ રકમ જમા થશે. આગામી સમયમાં ૧પ૦૦ થી ર૦૦૦ ચો.મી.ના નાના ફાઈનલ પ્લોટના પણ વેચાણકરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.