ગુજરાત ATSએ ડ્રગ માફિયા મુનાફ મુસાને મુંબઈથી ઝડપાયો
ર૦૧૮ના વર્ષમાં ૧પ૦૦ કરોડના હેરોઈનના કેસમાં મુનાફ મુસા વોન્ટેડ હતોઃ મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં પણ તે ભાગતો ફરતો હતો
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સરહદ ઉપર પણ સુરક્ષાદળના જવાનો ચાંપતી નજર રાખી રહયા છે જેના પગલે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવવા સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
ર૦૧૮ના વર્ષમાં ગુજરાતમાંથી ૧પ૦૦ કરોડના હેરોઈનનો જથ્થો પકડાયો હતો અને જથ્થા સાથે ધરપકડ કરાયેલા શખ્સોની પુછપરછમાં મુનાફ મુસા નામના શખ્સનું નામ ખુલ્યુ હતું આરોપી ડ્રગ રેકેટ ઉપરાંત આંતકવાદી પ્રવૃતિ સાથે પણ સંકળાયેલો હોવાથી તેની રેડ કોર્નર નોટિસ તથા લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાનમાં ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પરથી નામ બદલીને પાકિસ્તાનના પાસપોર્ટ પર આવી પહોંચેલા મુનાફ મુસાને ઝડપી લેવામાં આવ્યો છે
અને તેની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો ખુલી છે તેની સાથે સંકળાયેલા અનેક શખ્સોના નામો બહાર આવતા તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કુખ્યાત મુનાફ મુસા ઝડપાતા સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ગુજરાત આવવાના રવાના થઈ ગયા છે.
બીજીબાજુ ગુજરાત એટીએસે મુંબઈ એરપોર્ટ પરથી પકડેલા મુનાફ મુસાને અમદાવાદ લાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ અંગેની વિગત એવી છે કે પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા દેશમાં કેફી દ્રવ્યો ઘુસાડવામાં આવી રહયા છે આ ઉપરાંત નકલી ચલણી નોટો તથા આંતકવાદી પ્રવૃતિ પણ કરવામાં આવતા સરહદ ઉપર ભારતીય લશ્કરના જવાનો તથા દેશમાં સુરક્ષા એજન્સીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ તંત્ર સતત એલર્ટ હોય છે
છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય જળ સીમા માર્ગે પાકિસ્તાન દ્વારા કરોડો રૂપિયાના કેફી દ્રવ્યો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ કોસ્ટગાર્ડ તથા નેવી ના જવાનોએ આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે. ર૦૧૮ના વર્ષમાં ગુજરાતમાંથી ૧પ૦૦ કરોડનું હેરોઈન મળી આવ્યું હતું.
આટલી મોટી માત્રામાં મળેલા હેરોઈનના જથ્થા સાથે પકડાયેલા શખ્સોની ગુજરાત એટીએસે પુછપરછ શરૂ કરી હતી અને તેમાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો મળી આવી હતી આ વિગતોના આધારે ગુજરાત એટીએસ દ્વારા મુખ્ય સુત્રધાર મુનાફ મુસાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બીજીબાજુ મુનાફ મુસા આંતકવાદી પ્રવૃતિ સાથે પણ સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું અને મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં તે વોન્ટેડ હતો જેના પગલે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી સુત્રધાર મુનાફ મુસા નૈરોબીમાં સંતાઈ ગયો હતો અને ત્યાં બેઠા બેઠા કેફી દ્રવ્યોનું નેટવર્ક ચલાવતો હતો. બીજીબાજુ ગુજરાત એટીએસની બાજ નજર તેના પર હતી.
ગુજરાત એટીએસ દ્વારા મુનાફ મુસાને ઝડપી લેવા માટે સતત વોચ રાખવામાં આવી રહી હતી આ દરમિયાનમાં સુત્રધાર નૈરોબીમાં નામ બદલીને રહેતો હોવાનું બહાર આવ્યું હતું. મુનાફ મુસાએ પાકિસ્તાની પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટમાં તેણે પોતાનું નામ બદલી અનવર હાજી રાખ્યું હતું અને તે અનવર હાજીના નામ પર પ્રવાસ કરતો હતો
આ દરમિયાનમાં ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મુનાફ મુસા નૈરોબીથી હવાઈ માર્ગે મુંબઈ એરપોર્ટ પર આવી રહયો છે જેના પગલે ગઈકાલથી જ ગુજરાત એટીએસની ટીમ મુંબઈ એરપોર્ટ પર નજર રાખી રહી હતી. મુનાફ મુસા વિરૂધ્ધ રેડકોર્નર તથા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી આ દરમિયાનમાં ગઈકાલે મોડી સાંજે મુનાફ મુસા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ગુજરાત એટીએસની ટીમે તેને ઘેરી લીધો હતો અને તેની પાસેથી અનવરહાજીના નામવાળો પાકિસ્તાનનો પાસપોર્ટ જપ્ત કર્ય્ હતો. મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ માફિયા તથા આંતકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલો કુખ્યાત મુનાફ મુસાને ઝડપી લેવામાં ગુજરાત એટીએસને મહત્વપૂર્ણ સફળતા મળતા સીબીઆઈના અધિકારીઓ સતર્ક બની ગયા હતાં
બીજીબાજુ મુંબઈથી અમદાવાદ લાવવા માટે ગુજરાત એટીએસની ટીમોએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મુનાફ મુસાની પુછપરછ કરવા દેશની સુરક્ષા એજન્સીના અધિકારીઓ પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. આમ ગુજરાત એટીએસે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી કુખ્યાત આરોપીને ઝડપી લીધો છે.