Western Times News

Gujarati News

નડિયાદની હોટલના માલિકને મનપાએ રૂ.પ૦ હજારનો દંડ ફટકાર્યો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત નડિયાદ શહેરના પેટલાદ રોડ પર આવેલ ભાગ્યોદય રેસ્ટોરન્ટ ખાતે નડિયાદ પાલિકાની ટીમે પહોંચી આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

જેમાં હોટલની ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. બનાવવામાં આવતો ખોરાક ખુલ્લો રાખવામાં આવતો અને જ્યાં જોવો ત્યાં ગંદકી હોવાનું સામે આવતા નડિયાદ પાલિકાની ટીમે આકરુ વલણ અપનાવી હોટલના માલિકને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.

મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે શહેરના પેટલાદ રોડ પર આવેલ ભાગ્યોદય હોટલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે.

મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટોમાં સાફસફાઈનો અભાવ, ગંદકી જોવા મળી હતી. આથી નડિયાદ મહાનગરપાલિકાની ટીમ એ આ રેસ્ટોરન્ટના માલિકને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.

નડિયાદ મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડૉ. પ્રેરણા ગ્વાલાનીએ જણાવ્યું કે, હોટલમાં બનાવવામાં આવતો ખોરાક ખુલ્લો રાખવામાં આવતો હતો અને હોટલની ચારે બાજુ ગંદકી છે આ ઉપરાંત હોટલના સ્ટાફે પણ હાથમાં ગલ્બઝ કે કેપ પહેરી નથી જે એસ ઓ પી પ્રમાણે કામગીરી કરવાની હોય છે તે ન કરી હોવાનું માલુમ પડતા અમે રૂપિયા ૫૦,૦૦૦ નો દંડ આ હોટલના માલિકને ફટકાર્યો છે.

નડિયાદ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી અધિકારી મયંક દેસાઈએ જણાવ્યું કે, ખાસ અમે જ્યારે હોટલના કિચનની મૂલાકાત લીધી ત્યારે કેટલીક ક્ષતીઓ અમને જાણવા મળી હતી. જેમાં રેસ્ટોરન્ટના કિચનમાં થતો સ્મોક માટે કોઈ વેન્ટિલેશન જોવા ન મળ્યું હતું.

કિચનમાં રાખેલ ફ્રિજમાં ટેમ્પરેચર મેન્ટેન્ટ નથી કર્યું રેસ્ટોરન્ટના સ્ટાફનું છેલ્લા એક વર્ષથી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું નથી. આથી અમે કડક કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી ડેરી પ્રોડક્ટ પર પણ તવાઈ બોલાવીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.