મિલકત વેરો ન ભરનાર ૯૯ દુકાનો ગાંધીનગરમાં મનપાએ સીલ કરી

ગાંધીનગર, વેરો નહીં ભરપાઈ કરનારા ગાંધીનગર શહેરના મિલકત ધારકો સામે મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાને આખરે લાલ આંખ કરવાની ફરજ પડી છે અને બાકીદારો સામે ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યુ કરી મિલકતો સીલ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના પગલે ગુરૂવારે મનપા તંત્ર દ્વારા ૯૯ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાંકીય વર્ષ ર૦ર૪-રપમાં કુલ ૧,ર૦,૭૦૩ મિલકત ધારકો દ્વારા રૂ.૭ર.૯૩ કરોડનો મિલકતવેરો ભરપાઈ કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી વેરો નહીં ભરનારા અને મોટી રકમ ચઢી ગઈ હોય તેવા મિલકત ધારકોની યાદી બનાવવામાં આવી હતી. તે પછી તે તમામને વેરો ભરપાઈ કરવા માટે આખરી નોટિસો આપવામાં આવી હતી.
તે પછી પણ મિલકતવેરો ભરપાઈ કરવામાં નહી આવતા તંત્રએ બાકીદારો સામે ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યુ કરી મિલકતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સીલીંગ ઝુંબેશના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ ઝુંડાલ વિસ્તારના શ્રી સરજુ એરેના કોમ્પલેક્ષની ૮૦ મિલકતો તેમજ ભાટ ખાતે આવેલા રાધે ફોરચ્યુન કોમ્પલેક્ષની ૧૯ મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે.
તે ઉપરાંત ર૧ જેટલી મિલકતોના વેરાની સ્થળ ઉપર જ વસુલાત કરવામાં આવી હતી. જે મિલકતોના મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા બાકીદારો સત્વરે બાકી મિલકતવેરો ભરી ટાંચ/ જપ્તીની તેમજ મીલકત હરાજી જેવા પગલાથી બચવા તાકિદે બાકી વેરો ભરપાઈ કરવા શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે.