મ્યુનિસિપલ કોર્પોરેશને એસ.ટી. બસ સ્ટેન્ડની 200 વર્ષ જૂની દીવાલ તોડી
બિલ્ડરના ફાયદા માટે હેરિટેજ દીવાલ તોડવામાં આવી : શહેઝાદખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજ મિલકતોની જાળવણી કરી શક્યું નથી. કોટ વિસ્તારની અનેક હેરિટેજ મિલ્કતોના સ્થાન કોમર્શિયલ પ્રકારના બાંધકામ થઈ ગયા છે.
બિલ્ડરોના ફાયદા માટે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આવો જ કિસ્સો મંગળવારે મોડી રાત્રે પણ જોવા મળ્યો હતો જેમાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગે બિલ્ડરોના ફાયદા માટે 200 વર્ષ જૂની દીવાલ તોડી છે
મ્યુનિસિપલ વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ને વલ્ડ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે . હેરિટેજ મિલકતોની સાચવણી કરવાની જવાબદારી મ્યુનિસિપલ વહીવટી તંત્રની છે. પરંતુ આસ્ટોડિયા ખાતે આવેલ આશાભીલ ગાર્ડન, ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પાસેની ૨૦૦ વર્ષ જૂની દીવાલ બિલ્ડરને લાભ અપાવવા માટે મઘ રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષ આવી બેહુદા કામગીરીની ઘોર નિંદા કરે છે કે આવી હરકત ફરી ના થાય અને આ દીવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી આ દીવાલ બનાવવા માં આવે તેવી માંગણી કરે છે કે આવી હેરિટેજ મિલકતોની જાળવણી કરવી જોઈએ તોડવી જોઈએ નહિ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ મામલે મધ્યઝોનના ડે.મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યુ હતુ કે આ જુની દિવાલ આઉટ ઓફ કોર વોલ્ડ સિટી એરીયા(ટી.પી.સ્કીમ વિસ્તાર)માં આવે છે, તથા જુની દિવાલનો હેરીટેજ નોટીફાઇડ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ નથી તેમજ સદરહું દિવાલનો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા(એ.એસ.આઈ.) દ્વારા મોન્યુમેન્ટમાં પણ સમાવેશ કરવામાં આવેલ નથી.
પૂર્વ અને પશ્ચિમ તરફે બસ ટર્મીનલ તેમજ આસ્ટોડીયાના મુખ્ય રસ્તાને જોડતી જુની દિવાલ રોડ લાઈન જગ્યામાં કપાતમાં આવે છે તેમજ સદરહું રોડ પર ભારે પ્રમાણમાં વાહનોનું અવર-જવર હોય છે.
સદરહું જુની દિવાલ ૨૪.૩૮મી.ના ટી.પી. રોડ કપાતમાં આવતી જમીન પૈકીના ભાગમાં હયાત કંપાઉન્ડ વોલનું બાંધકામ કે જે અંદાજે ૧૮૧.૧૫ રનીંગ મીટર કંપાઉન્ડ વોલ દૂર કરવા અંગે સક્ષમ સત્તાની મંજુરી મળી છે. ત્યારબાદ હેરિટેજ કમિટીએ પણ દીવાલ દૂર કરવા ભલામણ કરી હતી તેમ તેમણે વધુમા જણાવ્યું હતું.