મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગે ડુપ્લીકેટ ઘી મામલે કમિશનર- શાસકોને ગેરમાર્ગે દોર્યા

ફોર્મલ પધ્ધતિ એટલે કે કોઈ અધિકારીને દુકાનદારો ‘માન આપતા ન હોય’ ત્યારે તેને દબાણમાં લાવવા માટે સેમ્પલ લઈ લેવામાં આવે છે અને પરિક્ષણ માટે મોકલવામાં આવે છે.
માન-સન્માન મેળવવા માટે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હોવાની ચર્ચા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી પાંચ દિવસ અગાઉ ડુપ્લીકેટ ઘી નો જથ્થો પકડાયો તેમજ આ અંગે ડુપ્લીકેટ ઘી વેચનાર અને તેના સપ્લાયરના ગોડાઉનો પણ સીલ કરવામાં આવ્યા હતા. તેવા સમાચાર મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાં
પરંતુ મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મામલે કંઈક અલગ જ ચિત્ર બહાર આવ્યું છે અને સીલ કરવામાં આવેલ દુકાનો રાતોરાત ખુલી ગઈ છે જયારે પરીક્ષણ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે પણ અસલી હોવાની સંભાવના વ્યકત થઈ રહી છે.
મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારી ડો. ભાવિન જોષી દ્વારા લગભગ એક સપ્તાહ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે જશોદાનગર ત્રિકમપુરા પાટિયા પાસે ચત્રભુજ કિરાણા સ્ટોર્સમાં અમૂલના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ થઈ રહયું છે તેવી બાતમી મળી હતી જેના આધારે રૂબરૂ તપાસ કરતા ૬ ડબ્બા મળી કુલ ૧૦પ કિલો ડુપ્લીકેટ ઘી નો જથ્થો મળી આવ્યો હતો
તેમજ પુછપરછ કરતા આ ઘી હાર્દિક ટ્રેડર્સ ખોખરા પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનું જાણવા મળતા હાર્દિક ટ્રેડર્સના ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા હતાં. ડો. ભાવિન જોષી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત કેટલી સાચી છે તે બાબતે આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ હેલ્થ ફુડ વિભાગ દ્વારા પરિક્ષણ માટે ઘીનું જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તે ફોર્મલ પધ્ધતિથી લીધું હતું તે એક્ટ મુજબ લેવામાં આવ્યું ન હતું.
ફોર્મલ પધ્ધતિ એટલે કે કોઈ અધિકારીને દુકાનદારો ‘માન આપતા ન હોય’ ત્યારે તેને દબાણમાં લાવવા માટે સેમ્પલ લઈ લેવામાં આવે છે અને પરિક્ષણ માટે મોકલવામાં આવે છે. જો સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ સાબિત થાય તો દુકાનદારને ડરાવી ધમકાવીને ‘સન્માન મેળવવામાં’ આવે છે પરંતુ આ તમામ પ્રક્રિયાનું ઓન પેપર કોઈ જ અÂસ્તત્વ હોતું નથી
જયારે એક્ટ મુજબ સેમ્પલ લેવામાં આવે તો કુલ ૧ લેખે કુલ ૪ સેમ્પલ એટલે કે ૪ કિલો ઘી લેવાનું રહે છે તેમજ હેલ્થ ફુડ વિભાગ દ્વારા દુકાનદારને તેના બીલ પેટેની રકમ કાયદેસર રીતે ચુકવવાની હોય છે અને જેની રસીદ પણ ફાડવામાં આવતી હોય છે.
પરંતુ આ કિસ્સામાં એક એક કિલોના ૪ સેમ્પલના બદલે માત્ર એક જ સેમ્પલ લેવામાં આવ્યું છે. મતલબ કે આ ફોર્મલ પધ્ધતિથી ‘માન – સન્માન’ મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે સપ્લાયર હાર્દિક ટ્રેડર્સ અંગે પણ કંઈક અલગ જ ચિત્ર બહાર આવ્યું છે.
મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારી ડો. ભાવિન જોષીના કહેવા મુજબ ડુપ્લીકેટ ઘી હાર્દિક ટ્રેડર્સ ખોખરા દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાથી તેનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું.
જોકે તે સમયે હાર્દિક ટ્રેડર્સના માલિક પ્રયાગરાજ ગયા હતા તેઓ પરત ફર્યા બાદ તેમણે નિવેદન કર્યું હતું કે તેઓ માત્ર તેલનું જ વેચાણ કરે છે ઘી નું વેચાણ કરતા નથી તેથી હેલ્થ ફૂડ વિભાગ દ્વારા તેમના ગોડાઉનના સીલ ખોલી નાંખવામાં આવ્યા છે. જોકે અહીં એ બાબત પણ ચર્ચાનો વિષય બની છે કે હાર્દિક ટ્રેડર્સના માલિકે નિવેદન કર્યું છે કે પછી ‘માન-સન્માન’ મેળવીને તેમની પાસેથી નિવેદન કરાવવામાં આવ્યું છે તે તપાસનો વિષય બન્યો છે.