એલ. જી. હોસ્પિટલમાં MRI મશીન મુકવા ઈકબાલ શેખની માંગણી
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી. હોસ્પિટલમાં કોર્પોરેશનના માલિકીનું જ MRI સેન્ટર શરૂ કરવા ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલભાઈ શેખે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત અને મૌખિક રજુઆત કરી છે.
કોર્પોરેટર ઈકબાલભાઈ શેખે જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી, મણિનગર, ખોખરા, દાણીલીમડા, બહેરામપુરા, શાહઆલમ સહિતના વિસ્તારના ગરીબ દર્દીઓ સારવાર લે છે છેલ્લા એક વર્ષથી સીટી સ્કેન મશીન બંધ હતું જે અંગે રજુઆત કરતા મુખ્યમંત્રી અને મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશોના પ્રયાસોથી રૂ.૮ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીન કાર્યરત કરવામાં આવ્યું છે
જે અંગે તેમણે સત્તાધીશોનો આભાર પણ માન્યો હતો પરંતુ હાલમાં એલ.જી.હોસ્પિટલમાં પબ્લીક પાર્ટનરશીપ પેટન મુજબ સદ્ભાવના ઈમેજીગ સેન્ટર કાર્યરત છે અને આ સેન્ટરમાં MRIના ચાર્જીસ વધારે હોવાથી ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે એટલું જ નહી પરંતુ પુરતી સારવાર પણ મેળવી શકતા નથી.
સીટી સ્કેન તથા જીમનેશીયમના ઉદ્ઘાટન પ્રસંગે આ અંગે મોખિક રજુઆત પણ કરવામાં આવી હતી આ માંગણીને ધ્યાનમાં લઈ તાત્કાલિક આ સમગ્ર વિસ્તારના દર્દીઓના લાભાર્થે એલ.જી.હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતુ એમઆરઆઈ સેન્ટર કાર્યરત કરવા માંગણી છે. જેનાથી શહેરના ગરીબ દર્દીઓને વધુ એક આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરી શકાય.
કોર્પોરેટર ઈકબાલ શેખે આ લેખિત રજુઆત મુખ્યમંત્રી ઉપરાંત રાજયના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, તથા અમદાવાદના મેયર અને મ્યુનિ. કમિશ્નર સમક્ષ પણ કરી છે.