નારોલમાં મ્યુનિ. પાર્કિગ પ્લોટ પર બિલ્ડરે કબજો જમાવ્યો
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ‘ખેડે તેની જમીન’ જેવો ઘાટ-કરોડો રૂપિયાની કિંમતના રિઝર્વ પ્લોટમાં ઠેરઠેર દબાણો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ‘ખેડે તેની જમીન’ જેવો ઘાટ જોવા મળી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનના કરોડો રૂપિયાની કિંમતના રિઝર્વ પ્લોટમાં ઠેરઠેર દબાણો થયા છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગની બેદરકારી અને ક્યાંક ભૂમાફિયાઓ સાથેની સાંઠગાંઠના કારણે આવી કિંમતી જમીનનો ઉપયોગ પ્રજાહિત માટે થઈ શકતો નથી. શહેરના નારોલ વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નારોલ સર્કલ પાસે સ્વસ્તિક કોમ્પલેક્ષની પાછળ રિઝર્વ પ્લોટમાં પાર્કિગ બનાવવામાં આવ્યું છે જેતે સમયે હાઈકોર્ટની આકરી ટીકાથી બચવા માટે તંત્ર દ્વારા આ પ્લોટને પાર્કિગ બનાવવામાં તો આવ્યું છે પરંતુ તેની કોઈ જ કાળજી દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ કે લાંભા વોર્ડના એસ્ટેટ અધિકારીઓ દ્વારા લેવામાં આવતી નથી
જેનો લાભ બાજુમાં આવેલ પુષ્પક ગારમેન્ટ હબના બિલ્ડર અને મિલકત ધારકોએ પુરતા પ્રમાણમાં લઈ લીધો છે. પુષ્પક ગારમેન્ટ હબ દ્વારા પાર્કિગ પ્લોટમાંથી સીધો રસ્તો આપવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અવારનવાર તમામ રિઝર્વ પ્લોટ ફરતે દિવાલો કરવી અને સીસીટીવી મુકવાની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ સ્થળે તમામ જાહેરાતો અને દાવા પોકળ સાબિત થઈ રહયા છે.
ચોંકાવનારી બાબત એ છે કે એસ્ટેટ વિભાગની બેદરકારીથી માહિતગાર પુષ્પક ગારમેન્ટ હબના બિલ્ડર અને મિલકત ધારકોએ પ્લોટનો પરોક્ષ કબજો પણ લઈ લીધો હોય તેવુ જોવા મળી રહયું છે આ સ્થળે રૂબરૂ મુલાકાત લેતા એ બાબત જાહેર થઈ છે કે અહીં સિકયુરિટી ગાર્ડ પણ પુષ્પક ગારમેન્ટ હબના જ બેસે છે.
મ્યુનિ. કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ કે જેને પાર્કિગ જાહેર કરવામાં આવ્યું છે તેની દેખરેખ રાખતા પુષ્પક ગારમેન્ટ હબ ના સિકયુરીટી ગાર્ડના જણાવ્યા મુજબ આ પ્લોટમાં જ પુષ્પક એસ્ટેટ દ્વારા બોર બનાવવામાં આવ્યો છે આ બાબતની ફરિયાદ લાંભા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરને કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અહી કોઈ બોર બન્યો હોય તેમ લાગી રહયું નથી
તથા પુષ્પક એસ્ટેટ દ્વારા પાર્કિગ પ્લોટમાં જે રસ્તો કરવામાં આવ્યો છે તેને લોક કર્યું છે. પરંતુ અહી પ્રશ્ન એ થાય છે કે જો બોર બનાવવામાં ન આવ્યો હોય તો કોર્પોરેશનની દિવાલમાં ગાબડુ પાડી જમીન નીચેથી જે વાયરીંગ કરવામાં આવ્યું છે જે શેના માટે છે ?
આ વાયરીંગ પુષ્પક એસ્ટેટ ઈલેકટ્રીક સબ સ્ટેશન સાથે શા માટે જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ રિઝર્વ પ્લોટની ફરતે દિવાલો કરવામાં આવી રહી છે તો સદર પ્લોટમાં માત્ર પુષ્પક એસ્ટેટ તરફના ભાગમાં જ દિવાલ શા માટે કરવામાં આવી નથી. આસપાસના કોમ્પલેક્ષના વહેપારીઓ દ્વારા આ બાબતે તપાસ કરવાની માંગણી થઈ રહી છે.