Western Times News

Gujarati News

મ્યુનિસિપલ લાઈટબીલઃ અબ કી બાર રૂ.૪૦૦ કરોડ કે પાર

સાહેબોને પરસેવો ન થાય તે માટે પ્રજાના પરસેવાની કમાણીનો ધૂમાડો અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા થઈ રહ્યો છે

2022-23 માં વાર્ષિક લાઈટબીલ રૂ 320 કરોડ, 2023-24 માં 355 કરોડ થયું હતું

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કરકસર ના નામે શૂન્ય છે. દર વર્ષે ઉત્સવ-મહોત્સવ માટે કરોડો રૂપિયા નો ધુમાડો કરવામાં આવે છે. તેવી જ રીતે ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર ની સુખાકારી માટે એ.સી., પંખા અને લાઈટ નો પણ બેફામ વપરાશ થાય છે. જેના પરિણામે છેલ્લા બે-ત્રણ વર્ષ થી વાર્ષિક લાઇટ બિલ ની રકમ રૂ.૩૦૦ કરોડ ને પાર કરી ગઈ છે.

૨૦૨૨-૨૩માં વાર્ષિક લાઈટબીલ ની રકમ રૂ ૩૨૦ કરોડ હતી જયારે ૨૦૨૩-૨૪ માં આ આંકડો વધી ને રૂ. ૩૫૫ કરોડ થયો હતો. તેમ છતાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર ઘ્‌વારા પ્રજા ના રૂપિયા ઉડાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી .

વર્તમાન નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલ થી ૩૧ ડિસેમ્બર સુધી એટલે કે પ્રથમ ૯ મહિનામાં રૂ.૩૨૨ કરોડ લાઈટ બિલ આવ્યું છે.જેના કારણે ૨૦૨૪-૨૫માં લાઈટબીલ નો આંકડો અબ કી બાર રૂ.૪૦૦ કરોડ કે પાર થશે તેમ લાગી રહ્યું છે. જો કે, કોર્પોરેશન ઘ્‌વારા છેલ્લા કેટલાક વર્ષોથી સોલાર સિસ્ટમ કાર્યરત કરી વીજ બિલ ઘટાડા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં નાગરિકોની પ્રાથમિક સુવિધા માટે ખર્ચ ઓછો થાય છે અને તહેવારો, મહોત્સવો માટે પાણીની જેમ રૂપિયા વપરાય છે તેવા આક્ષેપ સતત થતા રહયા છે. પરંતુ પ્રાપ્ય માહિતી મુજબ વાર તહેવારોના ખર્ચને પણ ભુલાવી દે તેવો ખર્ચ લાઈટ બીલ માટે થઈ રહયો છે. મ્યુનિ. અધિકારીઓ અને ચુંટાયેલી પાંખની ઓફિસોમાં બે-બે એસી મશીન, પંખા અને લાઈટો સતત ચાલતા રહે છે.

સાહેબો ઓફિસોમાં હાજર હોય કે ન હોય પરંતુ એસી મશીનનું મીટર સતત ચાલતુ હોય છે જેના કારણે લાઈટ બીલનો ખર્ચ સતત વધી રહયો છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, હોસ્પિટલ, સ્વીમીંગ પુલ, એસ્ટેટ વિભાગ વગેરેમાં પણ કરકસરના નામે શૂન્ય જોવા મળે છે. નાગરિકો પાસેથી દંડો પછાડી કર વસુલ કરનાર અધિકારીઓ અને સત્તાધારી પક્ષ આ મામલે બેદરકાર સાબિત થઈ રહી છે.

મ્યુનિ. કોર્પોરેશની ઝોનલ ઓફિસમાં પણ કરકસરના નામે શૂન્ય જોવા મળી રહયું છે. વિવિધ ઝોનલ ઓફિસોની નાની મોટી કચેરીઓમાં પણ એસી, પંખા અને લાઈટનો બેફામ ઉપયોગ થઈ રહયો છે. ઝોન દીઠ જોવા જઈએ તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં વાર્ષિક રૂ.રર લાખ, દ.પ.માં રૂ.૧પ લાખ, પશ્ચિમમાં રૂ.ર૧ લાખ, ઉત્તરમાં રૂ.૧ર લાખ, દક્ષિણમાં રૂ.૧૩.૮પ લાખ અને દાણાપીઠ મુખ્ય કાર્યાલયમાં રૂ.૧.૧૦ કરોડનું વાર્ષિક બીલ માત્ર એસી, પંખા અને લાઈટનું આવી રહયું છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સોલાર એનર્જી માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ મોટો ફાયદો હજી સુધી મળ્યો હોય તેમ લાગી રહયું નથી અથવા તો તેનાથી જે પણ લાભ થયો હશે તેનો લાભ પણ અધિકારીઓ અને વહીવટી પાંખની બેદરકરીના કારણે તંત્રને મળ્યો નથી તેમ માની શકાય.

મ્યુનિસિપલ કોર્પોરેશન ના સૂત્રો એ જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષોમાં વખતો વખત અ.મ્યુ.કો હસ્તકનાં જુદા-જુદા સ્થળોએ સોલાર સીસ્ટમને કાર્યરત કરવામાં આવેલ છે જે અંતર્ગત અંદાજીત ૫.૫ મે.વો સોલાર સીસ્ટમ માટે ૩૮ જેટલા સ્થળોએ કુલ મળી આશરે રૂ. ૨૯ કરોડના ખર્ચે વખતો વખત કામગીરી કરાવી અત્યાર સુધી અંદાજીત ૯૪.૩૬ લાખ વીજ યુનીટના જનરેશન અને અંદાજીત રૂ. ૬.૧૩ કરોડ ની બચત તથા ૮૬૮૧ ્‌ર્ઝ્ર૨ કાર્બન એમીશન ઘટાડેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.