અમદાવાદ મ્યુનિસિપલ અધિકારીઓ માત્ર હાઈકોર્ટની ભાષા જ સમજે છે
ખારીકટ મામલે જાહેર હિતની અરજી કરવામાં આવશેઃ શહેજાદ ખાન
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર રાજકોટ જેવી દુર્ઘટના બાદ જ જાગૃત થાય છે અને તાકિદે કાર્યવાહી કરે છે. મ્યુનિ. અધિકારીઓ માત્ર કોર્ટની ભાષા જ સમજે છે. જયારે ખારીકટ કેનાલના મુદ્દે કમિશ્નર તરફથી લેખિતમાં ખુલાસો કરવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરશે તેવી ચેતવણી મ્યુનિ. માસિક સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ તરફથી આપવામાં આવી હતી. દરિયાપુરમાં માત્ર દોઢ મહિનામાં તૂટેલા આરસીસી રોડ અને હાટકેશ્વર બ્રિજ મામલે પણ રજુઆત થઈ હતી.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે જીરો અવર્સમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે સુરતનો તક્ષશીલા કાંડ, વડોદરાનો હરણી બોટ કાંડ કે રાજકોટ પીઆરપી ઝોન જેવી મોટી દુર્ઘટનાઓ બન્યા બાદ જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ જાગૃત થાય છે. રાજકોટની દુર્ઘટના બાદ એસ્ટેટ વિભાગના અધિકારીઓએ એક મહિનામાં પપ૦ કરતા વધુ મિલકતો બીયુ અને ફાયર એનઓસીના કારણોસર સીલ કરી છે
પરંતુ અહીં પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે આ મિલકતો કોની રહેમનજર હેઠળ બની હશે તથા બેરોકટોક તેનો વપરાશ થઈ રહયો હતો. મ્યુનિ. એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ ગેરકાયદેસર બાંધકામમાં સંડોવાયેલા છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટોને તેઓ જ ટીપ આપે છે. આવા અધિકારીઓના બેંક ખાતા તાકિદે સીલ કરવા જોઈએ. અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, સાબરમતી પ્રદુષણ, તૂટેલા રોડ, ગેરકાયદેસર બાંધકામો સહિતના અનેક મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ જ મ્યુનિ. અધિકારીઓ કામ કરે છે તેનો સીધો મતલબ એ થાય છે કે વહીવટી તંત્ર માત્ર હાઈકોર્ટની જ ભાષા સમજે છે.
અમદાવાદ શહેરની ખારીકટ કેનાલને રૂ.૧ર૦૦ કરોડના ખર્ચથી ડેવલોપ કરવામાં આવી રહી છે જેમાં ટેન્ડરની શરતોનું ઉલ્લંઘ કરી ડીઝાઈન બદલવામાં આવી છે જેના કારણે કોન્ટ્રાકટરોને અંદાજે રૂ.ર૪૦ કરોડનો ફાયદો થશે. ચોંકાવનારી બાબત એ છે કે આ અંગે પ્રોજેકટ કન્સલટન્ટ તથા ડીઝાઈન કન્સલટન્ટ કે જેઓને સાડા બાર કરોડ જેવી માતબર રકમ ચુકવવામાં આવી છે તેમણે પણ આંખ આડા કાન કર્યાં છે.
આ આક્ષેપ અંગે મ્યુનિ. કમિશ્નરે બોર્ડમાં જવાબ આપતા જણાવ્યું હતું કે આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી ગાંધીનગરના અભિપ્રાય બાદ જયાં વળાંક છે તેવી જગ્યાએ ડીઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. જોકે કમિશનરે બોર્ડમાં આ બાબતની કબુલાત કરી લીધી હતી કે ખારીકટની ડીઝાઈનમાં ફેરફાર થયા છે. વિપક્ષી નેતાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે કમિશનર તરફથી સાત દિવસમાં લેખિત ખુલાસો કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરશે.
કોંગ્રેસના કોર્પોરેટર જગદીશભાઈ રાઠોડે હાટકેશ્વર બ્રીજ અંગે રજુઆત કરતા જણાવ્યું હતું કે ૭૦૦ દિવસ થઈ ગયા હોવા છતાં આ બ્રીજ હજી સુધી તોડવામાં આવ્યો નથી. ચોમાસાની સીઝન હોવાથી ભારે વરસાદમાં બ્રીજના કારણે નુકશાન થઈ શકે છે. દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ રજુઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૮ વર્ષમાં કોર્પોરેશન દ્વારા પાઈપોની ખરીદી માટે રૂ.૪૦૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે
તેમ છતાં કોર્પોરેટર બજેટના કામ થતા નથી તેવી જ રીતે દરિયાપુર રણછોડજી મંદિર પાસે તૈયાર કરવામાં આવેલ આરસીસી રોડ માત્ર દોઢ મહિનામાં જ તૂટી ગયો હતો ત્યારબાદ તેને બે બે વખત રિફસરફેસ કરવામાં આવ્યો છે જે ભ્રષ્ટાચારના મોટા પુરાવા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે પરંતુ દરિયાપુરમાં આવેલી શાળાઓના છેલ્લા ૪ વર્ષથી રીપેરીંગ કરવામાં આવ્યા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.