અમદાવાદને ઝીરો વેસ્ટ સીટી બનાવવા મ્યુનિ. કમિશનરે આકરી શરતો સાથે “ડોર ટુ ડોર”ના ટેન્ડર મંજુર કર્યા
તમામ વાહનોને GPS સિસ્ટમથી આવરી લેવામાં આવ્યા છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઝોનલ ઓફિસ અને મુખ્ય કંટ્રોલ રૂમ સાથે સંકળાયેલા રહેશે આ ઉપરાંત તમામ અધિકારીઓ પણ મોબાઈલ ફોનમાં એપ દ્વારા પણ તેને ચેક કરી શકશે.
સાંકડી ગલીઓમાં ઇ રીક્ષા-મેનપાવર દ્વારા કચરો એકત્રિત થશેઃ ધાર્મિક વેસ્ટ કલેક્શન માટે અલગ વાહન રહેશે
(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૧૦ ના વર્ષથી ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટે ડોર ટુ ડોર યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો છેલ્લા દોડ દાયકા દરમિયાન અમદાવાદ શહેરના વસ્તી અને વિસ્તારમાં વ્યાપક વધારો થયો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર ને સ્વચ્છ રાખવા માટે ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટે છેલ્લે ૨૦૧૭માં જાહેર કરવામાં આવ્યા હતા જેની મુદત પૂર્ણ થતા ૨૦૨૪ માં નવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે
જુના ટેન્ડરમાં જે ખામીઓ કે ઉણપ રહી ગઈ હતી તે દૂર કરી મ્યુનિસિપલ કમિશનરે નવી શરતો સાથે ટેન્ડર તૈયાર કરવા જે સૂચના આપી હતી તે મુજબ જ નવા ટેન્ડર જાહેર કરી મંજૂર કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં જે કારણોસર પીછે હઠ થઈ રહી હતી તે બાબતને ધ્યાનમાં લઇ આગામી દિવસોમાં ડૉર ટુ ડોર યોજનાનો પૂર્ણ અમલ થાય તે દિશામાં ધ્યાન આપવા માટે કમિશનરે ખાસ તાકીદ કરી છ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ અમલી ડોર ટુ ડોર કાર્ય પદ્ધતિને સુરત ઈન્દોર મુંબઈ અને જયપુર જેવા શહેરોની પદ્ધતિ સાથે સરખાવી મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા ફેરફાર સાથે નવા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જે વાહનો મૂકવામાં આવશે તે તદ્દન નવા અને લેટેસ્ટ ટેકનોલોજી વાળા હશે આ વાહનો છ વર્ષ પૂર્ણ થયા બાદ રિપ્લેસ કરવામાં આવશે જે તે વિસ્તારની લાક્ષણિકતાને ધ્યાનમાં લઇ વાહનોની સંખ્યા ૧૧૦૦ થી વધારી ૧૪૫૦ કરવામાં આવી છે
તમામ વાહનોને GPS સિસ્ટમથી આવરી લેવામાં આવ્યા છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઝોનલ ઓફિસ અને મુખ્ય કંટ્રોલ રૂમ સાથે સંકળાયેલા રહેશે આ ઉપરાંત તમામ અધિકારીઓ પણ મોબાઈલ ફોનમાં એપ દ્વારા પણ તેને ચેક કરી શકશે. રહેણાક એકમોમાં સવારે ૬ થી બપોરના ૨ઃ૦૦ વાગ્યા સુધી અને કોમર્શિયલ એકમોમા સવારે ૯ઃ૦૦ થી ૧ અને સાંજે ૫ થી ૯ઃ૦૦ વાગ્યા સુધી કચરો એકત્રિત કરવામાં આવશે અગાઉ દરેક વાહનમાં બે પ્રકારના જ કચરા એકત્રિત કરવાની વ્યવસ્થા હતી જે વધારીને ચાર કરવામાં આવી છે જેમાં ભીનો, સૂકો, હેઝાડ્ર્સ અને સેનેટરી વેસ્ટ નો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા નવા ટેન્ડરમાં સાંકડી ગલીઓ અને પોળ જેવા વિસ્તારમાં થી પણ નિયમિત કચરો એકત્રિત થાય તે માટે ખાસ શરતો રાખવામાં આવી છે જે સ્થળે મોટું વાહન જઈ ના શકે તેમ હોય તે સ્થળે ઇ રીક્ષા નો ઉપયોગ કરવામાં આવશે તેમજ ઈ રીક્ષા પણ ન જઈ શકે તેવા સ્થળે એજન્સી દ્વારા મેન પાવર મૂકવામાં આવશે તમામ ધાર્મિક એકમો માંથી ધાર્મિક વેસ્ટ માટે અલગ વાહન મુકવામાં આવશે તેમ જ તેનું ટ્રીટમેન્ટ પ્લાનમાં પ્રોસેસિંગ થશે.
તમામ ઝોનમાં આવેલ રહેણાંક અને કોમર્શિયલ એકમોની સંખ્યા, સોસાયટી, પોળ, કોમ્પ્લેક્સ વગેરેની માહિતી એકત્રિત કરી તેના આધારે તે વિસ્તારમાં મૂકવાના થતા વાહનોની સંખ્યા, કવર થતા એકમોની સંખ્યા, કચરો લેવાનો સમય વગેરે નક્કી કરવામાં આવશે ડોર ટુ ડોર કલેક્શન અને રેફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશનની કાર્યપ્રણાલીમાં એકરૂપતા જળવાઈ રહે તે માટે સુરતની જેમ અમદાવાદમાં પણ આ કામગીરી સંયુક્ત ધોરણે આપવામાં આવી છે.
જેના કારણે રિસ્પોન્સ સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે મ્યુનિસિપલ કમિશનરની દેખરેખ હેઠળ તૈયાર અને મંજુર થયેલ નવા ટેન્ડરો મુજબ ડોર ટુ ડોર ની કામગીરી થશે અને ભવિષ્યમાં અમદાવાદ શહેર કચરાના ઢગલા વિનાનું સ્વચ્છ અને રળિયામણું સ્માર્ટ સિટી બનશે તેવી આશા પણ વહીવટી તંત્ર અને સત્તાધીશો રાખી રહ્યા છે.